પૃષ્ઠ:Gramonnati.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : ગ્રા મો ન્ન તિ
 


(૪) ખેડૂત કુટુંબની જરૂરિયાત જેટલી જમીન તો તેના હાથમાં રહે જ રહે એવી યોજના કરવી.

જમીનનું રક્ષણ

હરિજનો, દુબળા જેવી રાની પ્રજાના અશિક્ષિત ખેડૂતો, ઠાકરડાઓ, વાઘેરો, ભીલ કે કોળી જેવી પછાત કોમોની જમીન જતાં તે તદ્દન નિરાધાર બની પોતાને અને સમાજને પણ ભારણરુપ થઈ પડે છે. એટલે તેમની જમીન વેચાય નહિ અને કદાચ વેચાય તો તેમના જેવીજ જાતના કોઈ માણસને મળે, એ કોમ માટે તેમ જ જમીન માટે ઇચ્છવા યોગ્ય છે. શાહુકાર જમીન લઈ લે એટલે બહુ મોટા પ્રમાણમાં જમીન બિનખેડૂતના હાથમાં જાય; જમીનને સુધારવાને બદલે તે વધારેમાં વધારે કસ તેનો કાઢી લે અને ખેડૂત વર્ગને પરાવલંબી કરી નાખે. એટલે અમુક કોમની જમીન વેચાય નહિ એવી યોજના કરવા તરફ હાલમાં વૃત્તિ વળેલી છે. અને પ્રત્યક્ષ ખેતી કરનારને જ એ કાર્ય તરફ રોકાયલો રાખવા માટે એ બહુ જરૂરી પણ છે.

ગણોત નિયમન

વળી કેટલેક સ્થળે જમીનો શાહુકારના હાથમાં મોટા પ્રમાણમાં ચાલી ગયેલી હોય છે. આધ ભાગના ધોરણે શાહુકાર – જમીનદાર ખેડૂત ગણોતિયા પાસેથી પાકેલા માલનો અડધો ભાગ સાંથ તરીકે લઇ લે છે. ખરેખર મહેનત કરનારની પ્રાપ્તિમાંથી અડધો ભાગ લેવો એ વધારે પડતું કહેવાય. એ અડધા ભાગ ઉપરાંત લેણદેણના સંબંધને અંગે દેવામાં, દેવાના વ્યાજમાં ખેડૂતને ભાગે રહેલા અડધા ભાગમાંથી પણ માલ ખેંચાઈ જાય. અહીં ભાવ તોલમાં અભણ ખેડૂત પાછો લુંટાય. આથી તેને જમીનમાં ખેતી કરવાનો ઉત્સાહ જ રહેતો નથી. એટલે રોકડ રકમ આપવાની અને તે પણ જમીનના આકારના અમુક પટ સુધી જ આપવાની યોજના કાયદાથી કરવાના પ્રયત્નો થાય છે.