પૃષ્ઠ:Gramonnati.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ : ગ્રા મો ન્ન તિ
 


દેણદારને રીતસર પહોંચ પાવતી વખતોવખત આપી હિસાબ તેને પણ સમજાય એવો રાખે, વ્યાજની રકમ વાજબી જ રાખે અને ખેડૂતોની લાચારીનો લાભ લઈ વ્યાજ સિવાયની જુદે જુદે બહાને લેવાતી રકમો ન કાપે એ અર્થે ધીરધારનો ધંધો કરવા માટે પરવાના આપી શરાફો પર અંકુશ મૂકવાની પણ જરૂર છે.

ખેડુતકરજની તપા-
સણી

વળી દીવાની કચેરીઓને લેણદેણનો આખો ઇતિહાસ તપાસી ક્રૂર વ્યાજ કે ખોટા હિસાબની ચોકસી કરી લેણામાં–મુદ્દલ તથા વ્યાજની રકમમાં–ઘટાડો કરવાની સત્તા આપીને પણ શાહુકારી પદ્ધતિની ખામી સુધારી શકાય છે. ઘણી વખત ખેડૂતને લાભ આપવા માટે સ્ટાંપની સારી રકમ પણ માફ કરવામાં આવે છે.

કરજ સમાધાન મંડળો

લેણદાર તથા દેણદારને ભેગા કરી આખી આપલે તપાસી બંને પક્ષનું મન મનાવી તોડજોડથી દેવાનો નિકાલ કરવા માટે સરકારી તથા બિનસરકારી સભ્યોનાં મંડળો સ્થાપીને પણ દેવું ઘટાડી શાહુકારી પદ્ધતિને ચોખ્ખી બનાવવાની પ્રથા ચાલુ થયેલી છે.

સહકાર્ય

સાથે સાથે ખેડૂતોનાં સંગઠન થાય, ખેડૂતો પોતાની આર્થિક લેવડ દેવડની વ્યવસ્થા શાહુકારોની દરમિયાનગીરી સિવાય કરી લે, પોતાના માલના વેચાણવ્યવહારની વ્યવસ્થા ભેગા મળી કરી લે, જરૂર પૂરતી વસ્તુઓની ખરીદીમાં પણ એક સામટો માલ લઈ તેની વહેંચણી કરે અને અરસપરસ એકની શાખ બીજાના ઉપયોગ અર્થે વાપરી તેને પણ સદ્ધર બનાવવામાં પોતાનો ટેકો આપે જાય એ અર્થે સહકાર્યની એક પદ્ધતિ પણ હિંદમાં દાખલ થઈ છે.