પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૧.
.... મુજ સ્વામી સાચા
 

સર ભગનને ભ્રાંતિ થઈ કે જાગું છું કે ઊંઘું છું ? પ્રકાશશેઠ મારી સામે પિસ્તોલ ધરે એ સાચું હોય કે સ્વપ્ન ?

એ ભ્રાંતિ દૂર કરવા પોતે ઊંઘરેટી આંખ ચોળી જોઈ. હાથ ઉપર ચૂંટી પણ ખણી જોઈ, અને ખાતરી કરી લીધી કે હું જાગું છું, ઊંઘતો નથી, અત્યારે સંપૂર્ણ પણે સજાગ છું, સ્વપ્નમાં નથી જ નથી.

અરે, પણ તો પછી આ પ્રકાશશેઠ પોતે તો સ્વપ્નમાં નહિ હોય ? મારી પુત્રીનો વિવાહ પરાણે નક્કી કરાવવા મારી સામે પિસ્તાલ ધરે એ તો કાંઈ સાચી વાત હોઈ શકે? મારી તિલ્લુ તે શું કોઈ ચીજવસ્તુ છે કે આમ પિસ્તોલની અણીએ એને લૂંટી જઈ શકાય ?

તેથી જ સર ભગને એમને પૂછવું પડ્યું :

‘શેઠ, ભાંગ-બાંગ તો નથી પીધી ને ?’

‘સ્કૉચ નથી મળતો તે ભાંગ પીવી પડે ? મને શું બાવો સમજી બેઠા છો ?’

‘બાવા તો તમે સાચે જ હવે બની ગયા છો. આ બજારમાં બધે...’

‘અરે વાતમાં શો માલ છે ? ગામ આખાને બાવા બનાવીને જ રહીશ.’

‘એ તો હું અત્યારે નજરે જ જોઈ રહ્યો છું. મને પણ બાવો બનાવવા જ આવ્યા છોને, શેઠ ?’