પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુજ સ્વામી સાચા
૯૧
 


‘ખોટી વાત. હું તમને બાવો નહિ પણ વેવાઈ બનાવવા આવ્યો છું.’

‘પણ બંદૂકની અણીએ ? બંદૂક બતાવવાથી વેવાઈ ન બનાવાય, બાવા જ બનાવાય.’

‘એ હું આગળ ઉપર જોઈ લઈશ. અત્યારે તો કન્યા પધરાવો સાવધાન! અક્ષર સવાનો સમય વીતી જાય છે.’

આ સાંભળીને આવી આપત્તિમાં પણ સર ભગનથી હસ્યા વિના રહેવાયું નહિ. બોલ્યા :

‘શેઠ, આ તે શી સુગલ માંડી છે?’

‘સુગલ નથી, સાચી વાત કહું છું.’

‘પણ એ સીધીસાદી રીતે, સભ્યતાથી કહોને, આમ બંદૂક બતાવીને પરાણે પુણ્ય તે કરાવાતું હશે ?’

‘પણ સીધીસાદી રીતે લોકો પુણ્ય કરે એવા સોજા ક્યાં છે? એ તો નાક દબાય તો જ મોં ઉઘાડે એમાંના છે.'

‘એટલા માટે જ મારું પણ નાક દબાવવા આવ્યા છો ?’

‘સર ભગન, સાચું કહું તો, મારું પોતાનું નાક સાચવવા અત્યારે તમારું નાક દબાવવું પડે છે.’

‘એ તો તમે મને અત્યારના પહોરમાં ઊંઘમાંથી જગાડ્યો ત્યારે જ સમજાઈ ગયું હતું. પણ શેઠ, નાક સાચવવા માટે આવો ૨સ્તો લેવાય ?’

‘એ તો જેવા સંજોગ.’

‘પણ પૈસાની જરૂર પડે એટલે શું હાથમાં પિસ્તોલ લેવાય ?’

‘એ તો હાજર સો હથિયાર.’

‘તમારી દાનત હું સમજી ન શકું એટલો મૂરખ નથી, પ્રકાશશેઠ. મારી તિલ્લુ મારી વારસદાર છે. અને એને તમારા પ્રમોદ જોડે પરણાવીને મારો બધા દલ્લો હાથ કરી લેવાની તમારી દાનત છે એ હું ક્યાં નથી જાણતો ?’