પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
.... મુજ સ્વામી સાચા
૯૭
 


‘તમારું તમે જાણો. હું તો એને પરણવાનો પવિત્ર કૉલ આપી જ ચૂકી છું, તમારી જ આજ્ઞાથી.’

‘હવે એ આજ્ઞાનું ઉલ્લંધન કરી નાખ.’

‘મારા જેવી આજ્ઞાંકિત પુત્રીને આવું શું શીખવો છો ?’

‘તારા જ હિતમાં શીખવીએ છીએ. પ્રમોદકુમારને પનારે પડીશ તો પાયમાલ થઈ જઈશ.’

‘જે થવાનું હોય તે થાય. હું એને વચન આપી બેઠી છું.’

‘પણ એ વચન આપ્યું ત્યારના પ્રમોદકુમાર જુદા હતા અને હવે આજના પ્રમોદકુમાર જુદા છે.’

‘એ તો તમારી નજરે. મારી નજરે તો મને એક જ પ્રમોદકુમાર દેખાય છે.’

‘ગાંડી છોકરી !’

‘પ્રેમમાં પડેલાં બધાં જ ગાંડાં ગણાય છે.’

‘અરે, પણ પ્રેમ તો તારું જીવતર ધૂળધાણી કરી નાખશે.’

‘જે થવાનું હોય તે ભલે થાય. મારે હવે એક જીવતરમાં બે જીવતર નથી કરવાં.’

‘ઓહોહો !’ લેડી જકલ અદ્દલ સ્ત્રૈણ લટકો કરીને બોલ્યાં, ‘જોઈ મોટી સતી !’

‘જે કહો તે, હું તો હવે એક જ રટણ કરું છું.’

‘કયું?’

‘કે પ્રમોદકુમા૨ મુજ સ્વામી સાચા.’

પુત્રીનો આ હઠાગ્રહ જોઈ સર ભગનને શંકા ગઈ. તિલ્લુ કશીક રમત તો નથી રમતી ને ? હજી હમણાં સુધી પેલા નાચણિયા પાછળ ઘેલી થયેલી પુત્રી અત્યારે એકાએક આમ પ્રમોદકુમારની રટ શાથી કરી રહી છે? હવે એને આ ભયાનક માર્ગેથી પાછી શી રીતે વાળવી?