પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
ગ્રહાષ્ટક વત્તા એક
 


વાત છે. એના ભરમાવ્યા ભરમાયા છો તે હવે ભોગવજો એનાં ફળ.’

‘દીકરી, પણ તું તો આ વિલમાં મારા ઉપર દયા કરજે જરા.’

‘તમે નાહકના ગભરાઓ છે, પપ્પા. વિલનો અમલ તો માણસના મૃત્યુ પછી જ થાય. અને એ વખતે માણસ ક્યાં જોવા આવે છે કે મારી પાછળ શું થયું ?’

‘પણ કદાચ મારું મૃત્યુ નહિ થાય તો ?’

‘એટલે ?’

‘એટલે કે આ અષ્ટગ્રહ યોગમાંથી હું હેમખેમ ઊગરી જાઉં તો ?’

‘તો તો આફત થશે.’

‘આફત ?’

‘મારે માટે.’

‘તો તું શું એમ ઇચ્છે છે કે હું મરી જાઉં.’

‘હું નહિ. તમારા એ ગ્રહો એવું ઈચ્છે છે. તમારો ગિરજો ગોર એવું ઈચ્છતો હશે.’

‘ગિરજો મને ઉગારી લેવા આ બધી મહેનત કરે છે. ગ્રહશાંતિ માટે તે આ મહાસહસ્ત્રચંડી યજ્ઞ કરાવે છે.’

‘એ તો એના ઉદરની ક્ષુધાશાંતિ માટે આ બધી ધાંધલ કરાવે છે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા.’

‘તું તો નૃત્ય શીખી ત્યારથી નાસ્તિક થઈ ગઈ છે. બાકી ગિરજો સાચે જ જ્ઞાની માણસ છે.’

‘એ તો અષ્ટગ્રહ યોગને દિવસે ખબર પડશે કે ગિરજો જ્ઞાની છે કે ગમાર.’

પિતાપુત્રી વચ્ચે આમ વાતચીત ચાલતી હતી ત્યાં સેવંતીલાલ બારણા નજીક આવી ઊભા. એ વફાદાર સેવક આજ કાલ બહુ જ વ્યગ્ર રહેતા હતા. સર ભગન એની વ્યગ્રતા વાંચી જઈને બોલ્યા :

‘કેમ સેવંતીલાલ ? કાંઈ મુશ્કેલી છે ?’