પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતમાંથી ઉદ્વેગ
૧૧૫
 


‘એવું જ કાંઈક…’

‘શું છે ?’

‘ટેલિફોન.’

‘ક્યાંથી ?’

‘હૉસ્પિટલમાંથી.’

‘કેમ ? બુચાજી ઉકલી ગયા ?’

‘ના ઊકલતા જ નથી.’

‘તો પછી ફોન શા માટે ?’

‘એ ઊકલતા નથી માટે જ. સિસ્ટર કહે છે કે તમારા પેશન્ટનો સન્નિપાત બેહદ વધી ગયેલ છે. ‘ટિલ્લુ, ટિલ્લુ’ એવી બુમો પાડીને બધી જ નર્સોની પાછળ દોડે છે.’

‘અરે ! આ તો સાવ અડબંગ જ નીકળ્યો !’

‘મેટ્રને કહ્યું કે તમારા પેશન્ટનાં તોફાનોથી હૉસ્પિટલને આઠ હજાર રૂપિયાનું નુકસાન થયું છે.’

‘આઠ હજાર ? અષ્ટસહસ્ર…યુતિમાંના ગ્રહો જેટલી જ સખ્યા…’ સર ભગન મનશું ગણગણી રહ્યા. પછી સેવંતીલાલને પૂછ્યું, ‘પણ એ ગાંડો માણસ આટલું બધું નુકસાન કેવી રીતે કરી શકે ?’

‘ઈસ્પિતાલમાં ત્રીસ બલ્બ ભાંગી નાખ્યા, બે હજારની ક્રૉકરીનો ખુરદો કરી નાખ્યો અને ત્રણ રેફ્રિજરેટરોને નુકસાન પહોંચાડ્યું, એમ મેટ્રન કહે છે.’

‘માળો, આ બુચાજી તો બડો ઉસ્તાદ નીકળ્યો. આવી ખબર હોત તો આપણે બીજા કોઈ સૉલિસિટર રાખત, આ તો બેકાર બૅરિસ્ટર સસ્તો પડશે એવી ગણતરીએ એને રોક્યો, પણ ઊલટાનો બમણો મોંઘો પડી ગયો.’

‘હૉસ્પિટલવાળાઓ કહે છે કે તમારા પેશન્ટને તુરત અહીંથી લઈ જાઓ ને અમારી ફી અને નુકસાની ભરી જાઓ.’