પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૧૪.
વખત વેરસી
 

‘સાપના ભારા જેવાં સંખ્યાબંધ આફતનાં પોટલાં શ્રીભવનમાં સંઘરીને સર ભગન મોડી રાતે થાક્યા પાક્યા પલંગમાં પડ્યા ત્યારે એમની માનસિક દશા બાણશય્યા પર પોઢેલા ભીષ્મપિતામહ કરતાંય વધારે ભયંકર હતી. એ પ્રાચીન પિતામહને તો શરશય્યા પર પણ શાન્તિનો અનુભવ થતો હતો, ત્યારે સર ભગનને તો ફોમ-રબરગર્ભિત ગાદલામાં પણ ચિંતાઓનાં તીણાં ભાલાં ભોંકાતાં હતાં.

આવી રહેલી અષ્ટગ્રહયુતિ ઉપરાંત પણ બીજી અનેક આપત્તિઓ વેંઢારી રહેલા સર ભગનને તો શૂળી પર સેજ બિછાવ્યા જેવો અનુભવ થઈ રહ્યો હતો.

હવે આ મધરાત પછી કોઈનો ફોન ન આવે, અને સેવંતીલાલ મને જગાડે નહિ તો સારુ, એમ સર ભગન ઇચ્છતા હતા. આજકાલ શ્રીભવનમાં ટેલિફોનની ઘંટડી રણકે એટલે કશીક આફતના જ સમાચાર આવે એ એમનો સ્વાનુભવ હતો. તેથી જ, ટેલિફોનની ઘંટડીનો અવાજ એમને મૃત્યુઘંટના રણકાર જેવો લાગતો હતો. હમણાં સેવંતીલાલ શયનગ્રહની કૉલબેલ દાબશે અને વળી કંઈક નવીન આફતની વધામણી ખાશે એવા ભયથી સર ભગન જંપી જ નહોતા શકતા.

ટેલિફોનની ઘંટડી રણકતી નહોતી તોપણ સર ભગતના કાનમાં એના ભણકારા વાગતા હતા. પોતાના શયનગૃહની કૉલબેલ વાગતી નહોતી તોય એનો સુમધુર ઝંકાર ઝંઝાનિલ જેવો કાનમાં