પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


અને એ ભીતિ સાચી પણ પડી જ.

શ્રીભવનમાં સર ભગન સિવાય સહુ જંપી ગયા હતા ત્યારે સેવંતીલાલે વફાદારીપૂર્વક પોતાના માલિકને સંદેશો આપ્યો :

‘ઇન્સ્પેક્ટર ગોગટે પોલીસ પાર્ટી લઈને આવ્યા છે.’

‘માર્યા ઠાર ! પોલીસ પાર્ટી ?’ સર ભગન બોલી રહ્યા. ‘પણ પોલીસ પાર્ટીઓને તો આપણે અષ્ટગ્રહીને દિવસે બોલાવી છે ને ?’

‘એ તો બંદોબસ્ત માટે…’

‘ત્યારે આ શા માટે આવ્યા છે ?’

‘કશીક ઝડતી લેવાની વાત કરે છે.’

‘ઝડતી ? શાની ? ખાંડની ગૂણીઓની તો સ્યુગર કન્ટ્રોલરે આપણને સ્પેશિયલ પરમીટ આપી છે.’

‘એ માલસામાનની ઝડતી માટે નથી આવ્યા.’

‘ત્યારે શાની ?’

‘કોઈ શકમંદ આરોપીઓને શોધવાની વાત કરે છે.’

‘શકમંદ આરોપીઓ ? અહીં શ્રીભવનમાં ?’ સર ભગન શિયાવિયાં થઈ ગયા. અષ્ટગ્રહીનો દોષ હજી કેટલોક બાકી હશે એની કલ્પના કરતાં આંખે અંધારાં આવવા માંડ્યાં.

‘અહીં આપણા બંગલામાં શકમંદ આરોપીઓ !’

‘સાહેબ, એ તો પ્રકાશશેઠને ને પ્રમોદકુમારને શોધવા આવેલા છે. એમના ઉપર જામીન વિનાનાં વૉરન્ટ છે ને ?’

‘અચ્છા ! હવે સમજાયું !’ આટઆટલી આપત્તિઓ વચ્ચે, સર ભગન આનંદી ઊઠ્યા.

‘એમ વાત છે ત્યારે. પ્રકાશશેઠને પકડવા આવ્યા છે ?’

‘જી, હા.’

‘અંધારામાં પણ સર ભગનની અજય આંખોમાં આનંદની ઝલક દેખાઈ આવી. એમને થયું કે હજી મારું પુણ્ય પરવાર્યું નથી. આ સર્વગ્રાહી આફતમાંથી ઊગરવાની આશા હજી છે ખરી.