પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વખત વેરસી
૧૨૩
 

અષ્ટગ્રહી કરતાંય વધારે વસમી આફત આમ આપમેળે જ ચાલી જતી હોય તો એનાથી વધારે રૂડું બીજુ શું ?’

‘ભલે, ગોગટેને કહી દો કે તમે ખુશીથી તમારા શકમંદ આરોપીઓને પકડી શકો છો.’

સર ભગનના હતાશ હૃદયમાં પહેલી જ વાર આનંદના ઓઘ ઊછળ્યા. ટાઢે પાણીએ જ ખસ જવા બેઠી છે તો હવે ઊનું પાણી કરવા બળતણ ક્યાં બાળવું ?

સર ભગન એક જમાનાના નાઈટહૂડધારી હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર એમનો માનમોભો જાળવવા શ્રીભવનમાં પ્રવેશવાની રજા માગતા હતા.

‘એમને ખુશીથી આવવા દો.’ સર ભગને સેવંતીલાલને સૂચના આપી, ‘કાયદાનું પાલન કરવામાં આપણે એમને સહકાર આપવો ઘટે.’

‘ભલે સાહેબ,’ કહીને સેવંતીલાલ ગયા.

પોતાના બંગલામાં મધરાતે પોલીસ આવ્યા તેથી જાણે પ્રભુ પધાર્યા હોય એવો ઉલ્લાસ સર ભગનના ચિત્તમાં વ્યાપી રહ્યો. ધરાર પટેલની ઢબે ઘરવેવાઈ અને ઘરજમાઈ બની બેઠેલા એ બાપદીકરાનો આમ આપમેળે જ નિકાલ થઈ જાય તો એક મોટો હૈયાભાર હળવો થાય એમ હતો. તેથી જ આ દરોડો પાડવા આવેલા પોલીસ અફસર એમને દેવદૂત જેવા લાગ્યા.

અજાજૂડ શ્રીભવનમાં પોલીસની શોધક–બત્તીઓના શેરડા આમતેમ ઝબકી ઊઠ્યા. એ સર ભગનને અષ્ટગ્રહીના કાજળઘેરા અંધકારમાં આશાના સૂર્યકિરણ સમા લાગ્યા.

ઘણા દિવસ પછી એટલે કે ઘણી રાતો પછી આજની રાતે સર ભગનને થોડો જંપવારો મળ્યો. થોડા કલાક તેઓ સ્વસ્થ નિદ્રા ખેંચી શક્યા.

એ સુખદ તંદ્રાવસ્થામાં જ એમણે આજના સુખદ બનાવ બદલ અંબામાનો આભાર માની લીધો, અને આવા દૈવી ઉપકાર