પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

બદલ એમણે આવતી પૂનમે અંબામાને સવાશેર શુદ્ધ ચાંદીનું છત્તર ચડાવવાની માનતા પણ માની લીધી.

અરે, પણ આવતી પૂનમ તો હજી ઊગે ત્યારે ને ? તુરત સર ભગનના મનમાં ભય અને વહેમનાં વમળ ઉઠ્યાં. એ પૂનમ આડે તો હજી અષ્ટગ્રહ યુતિ પડી છે એનું શું ?… પણ તુરત એમણે આ સંશયનું સમાધાન શોધી લીધું… આજે પેલા જમ જેવા જમાઈપદેચ્છુની અને જમથીય ચડિયાતા વેવાઈપદેચ્છુની ટાઢે પાણીએ ખસ કાઢવા જેટલો અંબામાએ મારી ઉપર ઉપકાર કર્યો છે, તો આવતી પૂનમ સુધી મને જીવતો રાખવાની કૃપા પણ મારી એ જ કુળદેવી કરશે. આ આફતમાંથી ઊગરીશ તો સીધો જ અંબામાના પગમાં પડી જઈશ.

વહેલી પરોઢમાં આમ માંડ કરીને સર ભગન રાહતનો દમ ખેંચી રહ્યા હતા. હવે કોઈ નવી આફત આવવાનો ભય નથી, પેલા કાળમુખા બાપ-દીકરો પોલીસની કસ્ટડીમાં પડી ગયા છે, એથી તેઓ નિરાંતનો શ્વાસ ખેંચતા હતા. ત્યાં જ શ્રીભવનના પ્રવેશદ્વારે કશીક ધાંધલ થતી સંભળાઈ. ગુરખો ગુરુચરન એની શુદ્ધ નેપાળી ભાષામાં નકાર ભણી રહ્યો હતો. અને સામેથી સંખ્યાબંધ માણસો શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં શોરબકોર કરી રહ્યા હતા. એ ધીંગી ધરતીનાં ધીંગાં માણસો એમનાં નરવાં ગળાંમાંથી નક્કર બોલ ઉચ્ચારી રહ્યાં હતાં :

‘એલા એય અડબંગ, કોની માએ સવાશેર સૂંઠ્યું ખાધિયું છે કે જલાલપર–બાદલાના નગરશેઠના ઘરની જાનુંની આડો ઊભો રૈ શકે ? … ચીરીને મીઠું ભરી દૈશું હા !…આંયાકણે પાલિયાળું ભાળી ગયો હો તો હજી હજાર દાણ વચાર્ય કરી જોજે, હા !’

એક તરફ તળપદી કાઠિયાવાડી બોલીનો તાશીરો ફૂટતો હતો, ને સામેથી ગુરુચરન વધારે ને વધારે જોશથી નકાર ભણતો હતો.