પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રહાષ્ટક વત્તા એક
 

ઉપર તોળાઈ રહ્યો હતો.

સર ભગનની નાઈટહૂડ વિષે અહીં જ પેટછૂટો ખુલાસો કરી નાખીએ કે એમનો સર ઇલકાબ તો બ્રિટિશ સરકાર માબાપની નવાજેશ હતી. પણ અંગ્રેજો હિન્દ છોડી ગયા છતાં સર ભગન પોતાનું નાઈટહૂડ છોડવાની ના પાડતા હતા. એ ‘સર’નું છોગું તેઓ ‘પદ્મશ્રી’ના સાટાપાટામાં આપવા પણ તૈયાર નહોતા.

માન–મોભા ને મરતબાની એમની આ વળગણ એકલા ઇલકાબમાં જ નહિ, એમની રહેણીકરણીમાં, ખાણીપીણીમાં, વાણીવર્તનમાં પણ દેખાઈ આવતી હતી. હજી પણ સર ભગન ભારતીય પોશાક ધારણ કરે ત્યારે મર્સરાઈઝ્‌ડ ધોતિયા ઉપર મોજાં, ને મોજાં ઉપર ચરડચરડ ચમચમાટી બોલાવે એવાં રોમોય લેધરનાં પમ્પશુઝ ચડાવતા. પશ્ચિમી ઢબનો પોશાક પહેરે ત્યારે પાટલૂનને સસ્પેન્ડર ખભાપટા ચડાવતા અને વાસ્કુટના ખિસ્સામાં સોનાના અછોડાવાળું અસલી રેસ્કોપ ઘડિયાળ ભરાવતા. અને કોટપાટલૂન ઉપર કોઈ વાર હેમ્બર્ગ૨ હૅટને બદલે ચાંચવાળી પાઘડી પણ ચડાવી દેતા.

સર ભગને નાઇટહૂડ અંગ્રેજો પાસેથી ખુશામત કરી કરીને મેળવેલું, છતાં એ પ્રજા પ્રત્યે એમને એક જન્મજાત તિરસ્કાર પણ હતો. એમને તેઓ મ્લેચ્છ–યવન ગણીને આર્યોથી ઊતરતી કોટિના ગણતા, અને પોતાની શુદ્ધિ રક્ષવા ખાતર વારંવાર પ્રાયશ્ચિત્તો પણ કરતા. બ્રિટિશ યુગમાં ગોરા હાકેમ જોડે હસ્તધૂનન કરવું પડે ત્યારે ઘેર આવીને તેઓ ગંગાજળ વડે એ સ્પર્શની શુદ્ધિ કરી નાખતા. દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ તરીકે એક વાર એમને વાઈસરૉય જોડે ભોજન લેવું પડેલું ત્યારે એમણે ઘેર આવીને બ્રાહ્મણોની હાજરીમાં ગૌછાણ વગેરે પંચદ્રવ્યો ખાઈને શાસ્ત્રોક્ત વિધિસર દેહશુદ્ધિ કરી નાખી હોવાનું કહેવાતું.

આવી ધાર્મિક–બૌદ્ધિક ભેળસેળ ધરાવનાર સર ભગનની ઇમ્પાલા જ્યારે શ્રીભવનના પૉર્ચમાં શ્રમિત તરુણીની પેઠે થોભી