પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બ્રહ્મગોટાળો
૧૩૧
 


વાળંદનો ભાણેજ, એટલે અમારો સહુનો ગામભાણેજ ગણાય. આંયાકણે વિમલ તળાવ ફાટશે એવી ફેહમાં ને ફેહમાં ઈ છોકરો અમારે ગામડે આવી પૂગ્યો ને ધોડતોકને મને સમાચાર આપવા આવ્યો.’

‘શું ? શું ?’

‘ઇ કિયે મામા, મામા, આપણા ખીમભાઈની કન્યા તો બીજા કોઈને પરણવાની છે. ભગનશેઠે દીકરીનાં ઘડિયાં લગન લેવરાવ્યાં છે.’

‘એ ગધેડાએ આવું ગપ્પું હાંક્યું જ શી રીતે ?’

‘વાત થયા વિના એને ગંધ થોડી આવી હશે ? પણ મારા ખીમાનાં નસીબ એટલાં ચડિયાતાં કે આગોતરી ખબર પડી ગઈ. વાત સાંભળીને આખુ જલાલપર – બાદલા રાડ્ય પાડીને બેઠું થઈ ગયું, કે કોની જણનારીએ સવાશેર સૂંઠ્ય ખાધી છે કે અમારા ગામની વહુને આડેથી વરી જાય ?’

‘અરે, પણ આ વાત જ સાવ ખોટી છે.’

‘હવે ખોટી કિયો તો ખોટી, ને સાચી કિયો તો સાચી, મારા ખીમચંદનાં નસીબે જોર કર્યું, તી અમે તો જાડાં માણસની જાન જોડીને હાલી નીકળ્યાં.’

‘તે તમે સહુ સાચે જે હાલી નીકળ્યાં છો. આમ તે કાંઈ પારકી છોકરીને પરણવા નિકળાતું હશે ?’

‘તી પરણવાનું તો પારકી છોકરી હારે જ હોય ને ? ઘરની છોકરીને તે કોઈ પરણતું હશે મલકમાં ક્યાંય ? પછી તમારા કુળની રીત તમે જાણો. હોં શેઠ !’ કહીને વખતચંદે વેવાઈએ કઠિયાવાડી મર્મવાણીમાં સર ભગનને ટાઢો ચાંપ્યો.

‘જુઓ, અત્યારના પહો૨માં તમે મારી સાથે આમ ખોટી જીભાજોડી ન કરો, મૂળ મુદ્દાની વાત કરો.’

‘મૂળ મુદ્દાની વાત ફક્ત એટલી જ કે અમે જલાલપરથી જાન જોડીને આવ્યાં છીએ. અમારા ખીમચંદ હાર્યે તમારી તિલુના ચાર ફેરા ફેરવી દિયો એટલે તમારે માથે ઘીના ઘડા.’