પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પણ કંદર્પ ક્યાં ?
 

ત્યારે પણ તેઓ તે અન્યમનસ્ક જ હતા. એમના મગજમાં ઉદ્યોગોના નફાતોટાના આંકડાઓને બદલે અવકાશી ગ્રહની ઊથલપાથલ ચાલી રહી હતી.

કુટુંબના વિશ્વાસુ ને જુના પહેરેગીર જદુનાથે બાઅદબ કમ્મરમાંથી કાટખૂણે ઝૂકીને ગાડીનું બારણું ઉઘાડ્યું ત્યારે પણ સર ભગને એની નોંધ ન લીધી. ઇમ્પાલામાંથી ઊતરીને એમણે પૉર્ચમાં પગ મૂક્યો એ પણ ચાવી આપેલા યાંત્રિક પૂતળાની પેઠે જ. પરસાળના પહોળા આરસનાં પગથિયાં ચડવા માંડ્યાં તે પણ જાણે કે ઊંઘમાં ચાલતા હોય એવી કઢંગી રીતે જ.

આજે સર ભગન જેવા ભડ આદમીના પગ ભાંગી ગયા હતા, દેશના અર્થતંત્ર પર અદૃષ્ટ અંકુશ ધરાવનાર અને નાણાબજારને મનફાવે તેમ નચાવી શકનાર માણસ આજે અવકાશી ગ્રહોની હેર ફેરથી હતાશ થઈ ગયો હતો. ઉદ્યોગક્ષેત્રે ભલભલા હરીફોને હંફાવનાર આ કાબેલ ખેલાડી આજે દૂરદૂરના ઉડુગણમાંના ગ્રહોની ચાલચલગતથી હારણ બની ગયો હતો.

સ્થિતિ ખરેખર કઢંગી હતી. સો–સો સંગ્રામોનો વિજેતા સેનાપતિ આખરે બાથરૂમમાં લપસીને મરણશરણ થઈ જાય એવા હાલ સર ભગનના થઈ પડ્યા હતા. ભલભલા શત્રુઓથી ગાંજ્યો ન જાય એવો ભડવીર માઠા અદૃષ્ટ ગ્રહોના સંમિલનના સમાચારથી ગભરાઈ ગયો હતો.

આફત આવે ત્યારે એકસામટી જ આવે એ અંગ્રેજી કહેવતનો સર ભગનને અત્યારે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો હતો. આમેય આજકાલ એમના હૃદયમાં એક હોળી તો સળગતી જ હતી. શેઠની સુપુત્રી તિલ્લુએ એ હોળી પ્રગટાવી હતી. હવે, આવી રહેલી અષ્ટગ્રહ યુતિએ એ હોળી સામે ડાકણ પેટવી હતી.

આ તિલ્લુ એટલે તિલોત્તમા, સર ભગનની, ભગવાનની દીધી, સાત ખોટની સમ ખાવા પૂરતી એક પૂરી પુત્રી. શેઠશેઠાણી લાડચાગમાં