પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તારો વર
૧૪૭
 


તોળી રહી. અને એ તુલનામાં એ કંદર્પ કરતાં ઘણો ઘણો નમતો જોખાતો જણાયો. આ ગામડિયા જુવાનના એકેએક સૌંદર્યબિંદુને કંદર્પ જોડે સરખાવી જોતાં, જોતજોતામાં તો કંદર્પ એની નજરમાંથી જાણે સાવ ઊતરી જ ગયો. માત્ર નાટકના પાત્ર તરીકે જ નહિ, પોતાના જીવનના પાત્ર તરીકે પણ આ ખાંડાધારી યુવાન એની આંખમાં વસી ગયો.

આ ગરીબ બ્રાહ્મણ ચંડીયજ્ઞમાં ભાગ લેવાને બદલે ઇન્દ્રવિજયમાં કામ કરવા તૈયાર થાય તો ? દેવોના સેનાની સાચા કાર્તિકેય સ્વામી પણ આટલા સુંદર નહિ હોય, એમ તિલ્લુને સમજાઈ ગયું.

કોણ હશે આ યુવાન ?

તિલ્લુના મનમાં એ જાણવાની તાલાવેલી જાગી.

લેડી જકલ પોતાના શ્વાનજૂથ જોડે ફરીને પાછાં આવ્યાં. ડૉક્ટરની સૂચના મુજબ તેમણે આ કાર્યક્રમ પછી તરત જ સ્નાનાગારમાં જવાનું હતું. પણ એ પહેલાં તિલ્લુએ એમને હાક મારી.

‘મમ્મી !’

‘શું છે ?’

‘જરા નજીક આવો તો.’

લેડી જકલને પણ નવાઈ લાગી. પુત્રીએ આટલા પ્રેમથી એમને કદી બોલાવ્યાં નહોતાં. તિલ્લુના વર્તનમાં હમેશાં તાંડવની જ નૃત્યશૈલી વરતાતી, લાસ્યનો એમાં સમૂળો અભાવ હતો. તેથી જ તિલ્લુએ આજે લાસ્યના લહેકાથી માતુશ્રીને સબોધ્યાં તેથી લેડી જકલને આનંદનો આઘાત લાગી ગયો. તેઓ હરખાતે હૈયે બાલ્કનીમાં ગયાં એટલે પુત્રીએ પૂછ્યું :

‘પેલો સામે હાથમાં તલવાર લઈને બેઠો છે એ કોણ છે ?’

‘તારો વ૨.’

‘શું બોલ્યાં ?’

‘તારો વર.’