પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૧૭.
કન્યાદાન કોને ?
 

માતાને મોઢેથી ‘તારો વર !’ એવા શબ્દો સાંભળીને તિલ્લુ તો આનંદનો આઘાત અનુભવી રહી.

આ શું ? હું જેના સૌંદર્યની સરલતા ઉપર વારી જાઉ છું, એ મારો વર જ નીકળ્યો ! આ તે સ્વપ્ન છે કે સત્ય ? મમ્મી સાચું કહે છે કે મશ્કરી કરે છે ? એ સુંદર યુવાન મારો સુંદર વર હોઈ જ શી રીતે શકે ? એની જોડે વળી મારો વિવાહ ક્યારે થયો છે ? મમ્મી આ તે મજાક કરે છે કે શું ?

‘પણ આની જોડે મારો વિવાહ ક્યારે થયો છે ?’

‘તું હજી પારણામાં હતી ત્યારે જ.’

‘એટલે ?’

‘તારો જનમ થયો અને આપણે સહુ ખોડિયારની માનતા ઉતારવા કાઠિયાવાડમાં ગયાં હતાં ત્યારે જ વખતચંદ વેરસીને ઘેરે તારો વિવાહ કરતાં આવેલાં.’

‘પણ કોને પૂછીને ?’

‘ગિરજા ગોરને.’

‘પણ વિવાહ તો મારો હતો કે ગિરજા ગોરનો ?’

‘વિવાહ તારો, પણ સલાહ ગિરજા ગોરની.’

‘શી સલાહ હતી ?’

એણે કહ્યું કે તિલ્લુની જન્મકુંડળીમાં નીચના ઘરનો એક ગ્રહ છે, એટલે એને વિવાહવિચ્છેદનો યોગ થાય છે.’

‘પછી ?’