પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કન્યાદાન કોને?
૧૪૯
 


‘પછી તો ગિરજાની સલાહ પ્રમાણે જલાલપર–બાદલામાં જ વખત વેરસીના છોકરા જોડે તારા ચાંદલા કરી દીધેલા.’

‘મને પૂછ્યા વિના જ !’

‘તું તો હજી બાળોતિયામાં બંધાયેલી પડી હતી, એમાં તને પૂછવું કેમ કરીને ?’

‘પણ એ ઉમ્મરે તે કાંઈ વિવાહ કરાતા હશે ?’

‘આ વિવાહ ક્યાં લગન માટે કરેલા ?’

‘ત્યારે શા માટે કરેલા ?’

‘એ તો પેલા નીચના ગ્રહનો સુટકો કરી નાખવા સારુ.’

‘કેવી રીતે ?’

‘વિવાહ કરીને પછી એ વાત જ માંડી વાળી, જાણે કે કશું થયું જ નથી.’

‘અરે, પણ વિવાહ કર્યા પછી વાત જ માંડી વાળી ? એ તે કાંઈ રીત કહેવાય ?’

‘વાત માંડી ન વાળીએ તો શું ? માંડવો રોપીને પેલા ભૂતના ગળામાં વરમાળા પહેરાવીએ ?’

'એને તમે ભૂત કહો છો ?’

‘ભૂત ન કહું તો શું પલિત કહું ? આ એના દીદાર તો જો જરા ? હાથમાં જૂનવાણી ખાંડું લઈને બેઠો છે ! જાણે કે મોટો રાયજંગ જીતી આવ્યો.’

‘મમ્મી, એ સાચે જ રાયજંગ જીતી શકે એવો પ્રતાપી લાગે છે.’

‘જા રે જા ! આ જડભરત જેવા છોકરામાં તે શું બળ્યું છે ?’

‘મમ્મી, આ જડભરત નથી. આ તો જાજરમાન લાગે છે.’

સાંભળીને લેડી જકલ તો મનમાં જ સમસમી ઊઠ્યાં. ‘અરે રામરામ ! આ ગામડિયા ગમારમાં તે છોકરી શું ભાળી ગઈ હશે કે આમ એનાં મોં ફાટ વખાણ કરે છે ?’ તેથી જ એમણે પુત્રીનું મન આ યુવાનમાંથી પાછું વાળવા ખાતર કહ્યું :