પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કન્યાદાન કોને ?
૧૫૧
 

ન બોલાવનારી આ નર્તિકાને આજે આટલું વહાલ શાનું ઊભરાઈ આવ્યું ? અને ‘સ્વીટ’, ‘સ્વીટ’ શાની કહી રહી છે ?

આ મીઠાશ ખરેખરી મધુરતા છે કે પછી ખારાશ છે ?

‘મમ્મી ! તમે મારે માટે કેવો સરસ વર શોધી કાઢ્યો છે ?’

મમ્મી તો સાંભળીને ઠંડાગાર થઈ ગયાં.

‘આ તો ખરેખર કાર્તિકેય જેવો શોભે છે.’

લેડી જકલ જમીન પર જ જડાઈ ગયાં. એમને થયું કે ગૂંચવાયેલા કોકડામાં આ વળી નવી ગૂંચ ક્યાંથી ઉમેરાઈ પડી ?

‘મમ્મી, તમે આટલાં વરસ સુધી કાંઈ કહ્યું જ કેમ નહિ ?’

‘શું કહું ! તારું કપાળ ?’

‘કપાળની નહિ, આ કાર્તિકેયની વાત મને કેમ ન કહી ? ખરેખર, સાચો કાર્તિકેય પણ આટલો સોહામણો નહિ હોય.’

પુત્રીની આ વાણી સાંભળીને માતાને તો હાસ્યનો ને રુદનનો મિશ્ર અનુભવ થઈ રહ્યો.

‘મમ્મી ! હું કેવી નસીબદાર છું ! મને કેવો મજાનો વર મળ્યો ! મારી બહેનપણીઓ મારી કેવી ઈર્ષ્યા કરશે !’

લેડી જકલને કહેવાનું મન તો થઈ આવ્યું કે હવે હદ થઈ ગઈ, હવે બોલવાનું બંધ કર, આ તો આંધળે બહેરું કુટાઈ રહ્યું છે. પણ તિલ્લુનો આનંદોલ્લાસ એવો તો તીવ્ર હતો, એની અભિવ્યક્તિ એવી તો અણખૂટ હતી, એની વાણી એવી તો અસ્ખલિત હતી કે એની બોલબોલ આડે પોતાને કશું બોલવાનો અવકાશ જ રહેતો નહોતો.

‘ઓહ ! હાઉ વન્ડરફૂલ ! મમ્મી ! હું તમારો કેવી રીતે ઉપકાર માનું ?’

‘તારે ઉપકાર માનવાની જરૂર જ નથી.’

‘કેમ ! આવો સરસ વર મારે માટે તમે શોધી કાઢ્યો, છતાં…’

‘પણ એની સાથે તારે પરણવાનું જ નથી.’