પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
ગ્રહાષ્ટક વત્તા એક
 

 ‘કેમ નહિ ?’

‘આવા ગામડિયા, ગમાર જોડે તે કાંઈ જિંદગી વિતાવી શકાય ?’

‘શટ અપ !’ તિલ્લુએ કથકલી શૈલીએ નાક પર તર્જની મૂકીને મમ્મીને મૂંગાં થવાની આજ્ઞા કરી.

લેડી જકલને પુત્રીનું સાચું કથકલી સ્વરૂપ જોવા મળ્યું.

‘મારા વરને ગામડિયો ને ગમાર કહેતાં શરમાતાં નથી ?’

‘આવા રોંચાને ગમાર ન કહું તો શું સુંદરવર કહું !’

‘સુંદર કે અસુંદરનો નિર્ણય કરનારાં તમે કોણ ?’

‘અમે કોણ ? અમે તારાં માબાપ છીએ. હું તારી મા છું.’

‘તેથી શું થયું ? લગ્ન તો મારે કરવાનાં છે કે તમારે ?’

‘લગ્ન ભલે તારે કરવાનાં હોય, પણ કન્યાદાન તો મારે જ આપવાનું ને ?’

‘કન્યાદાન ભલે તમે આપો, પણ દાનમાં તો હું જ અપાવવાની કે તમે ?’

‘પણ એ દાન કોને આપવાનું, એ તો મારે જોવું જોઈએ કે નહિ ?’

‘શા માટે ?’

‘કુપાત્રને તો કન્યાદાન અપાય જ નહિ.’

‘આવા સરસ યુવાનને તમે કુપાત્ર કહો છો ? કાર્તિકેયને પણ ઝાંખો પાડે એવા માણસને તમે કુપાત્ર ગણો છો ?’

જોતજોતાંમાં મા–દીકરી વચ્ચે સુપાત્ર અને કુપાત્ર અંગે એવી તો જીભાજોડી જામી કે એનો તાલ નિહાળવા સામેના તંબુમાંથી બધા જ જાનૈયાઓ બહાર આવી ઊભા, એનો પણ એમને ખ્યાલ ન રહ્યો.

‘હાય હાય ! આ વખતચંદ વેવાઈ સામે આવીને ઊભા છે !’ કરતાંકને લેડી જકલ તો શરમનાં માર્યાં બાલ્કનીમાં મોં ફેરવી ગયાં ને ઝડપભેર ઓરડામાં પેસી ગયાં.