પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘એટલે કે રન્ના અવધૂતના મૉડેલ તરીકે કામ કરતી.’

‘હાય રે હાય ! સાવ નવસ્ત્રાં ચિત્રોમાં એ મૉડેલ બનતી ? એને શરમ પણ નહિ થતી હોય ?’

‘આ તો મૉડર્ન આર્ટ છે.’

‘મેલો લાલબાઈ એ મૉડર્ન આર્ટમાં, હું તો એ અવધૂતના પ્રદર્શનમાં પેઠી એવી જ લાજી મરી.’

‘તમે હજી એટલાં પછાત છો. બાકી રાવબહાદુર તો પેલા અવધૂતને જમાઈ બનાવીને ઘણા જ પ્રગતિશીલ ગણાઈ ગયા, અને ચિત્રકલા એકેડેમીના પ્રમુખ પણ બની ગયા.’

‘તો પછી આપણે પણ કંદર્પકુમારને જમાઈ બનાવીએ તો ?’

‘તો મારે પણ નાટ્યકલા એકેડેમીના પ્રમુખ બનવું પડે.’

‘તે બનજો, એમાં ખોટું શું ?’

‘અને તમારે શુભ હસ્તે કલાકારને ઇનામો વહેંચવાં પડશે.’

‘તે વહેંચીશું, એમાં શું ? પડશે એવા દેવાશે.’

‘તો પછી કંદર્પકુમારને સમજાવીએ.’

‘શું ?’

‘કે કોઈ પણ હિસાબે તિલ્લુને પરણી જા.’

‘અરે, એ તો પરણવા તૈયાર જ બેઠો છે. આપણી ધાકથી બિચારો બંગલામાં પગ મૂકતાં બીએ છે.’

‘તો એને કહી દઈએ કે આજથી તું જ અમારો જમાઈ છે અને અમે જ તારાં સાસરિયાં.’

‘પણ તિલ્લુ ?’

‘તિલ્લુને ખબર જ ન પડે એ રીતે આપણે કંદર્પકુમારને સમજાવીએ.’

‘ભલે, ચાલો. ધરમના કામમાં ઢીલ નહિ.’