પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પણ કંદર્પ ક્યાં ?
 


દીવાનખંડમાં લેડી જકલે સર ભગનને, તેઓ પતિ હોવા છતાં, પ્રેમપૂર્વક આવકાર્યા, પણ સર ભગન આજે એ પ્રેમનો પડઘો પાડી શકે એવી મનઃસ્થિતિમાં જ નહોતા. એમને તો આ સંસાર સાચે જ સાવ અસાર જણાતો હતો. જીવતર કડવું ઝેર લાગતું હતું. આ બધું કોને માટે ? કોને માટે ? એ મહાપ્રશ્ન એમના મગજમાં સણકા બોલાવી રહ્યો હતો.

મિલની ઑફિસમાંથી મોટરમાં સાથે આવેલી ખાનગી પત્રોની ફાઈલો, ડિરેક્ટરોની મિટીંગની મિનિટ–બૂકો, હિસાબકિતાબના કાગળો, ઇન્કમટૅક્સ ખાતાના લિફાફા, પરમિટ, લાઈસન્સ, ક્વોટા આદિના પત્રવ્યવહાર વગેરેની સગેભરી ટ્રે લઈને સેક્રેટરી સેવંતીલાલ આવ્યા, પણ શેઠને આજે એમાં કશામાં રસ રહ્યો નહોતો. એ સઘળા કાગળિયાંમાં એક સારી જોઈને દીવાસળી ચાંપી દેવાનું એમને મન થઈ આવ્યું.

શેર બજારમાં પોતાની મિલના શેરોના ભાવ કઈ સપાટીએ બંધ રહ્યા એ જાણવાની પણ આજે એમને ઇન્તેજારી નહોતી. જહન્નમમાં ગયા એ શેર ને શેરહેલ્ડરો, એવું મનશું ગણગણીને તેઓ મર્સરાઈઝ્ડ ધોતિયાંની વેરવિખેર ગાંસડીની પેઠે લોચપોચો થઈને સોફામાં પથરાઈ પડ્યા...

હૈયામાં બેવડી હોળીઓ વેંઢારી રહેલા સર ભગન ઘડીભર ગ્રહાષ્ટકની ઉપાધિ વીસરીને પુત્રી તિલોત્તમાની ચિંતામાં પડ્યા. પત્નીને પૂછ્યું :

‘ક્યાં ગઈ તિલ્લુ ?’

‘તિલ્લુ ! ઓ...તિલ્લુ !’ લેડી જકલ લાંબે ને નરવે સાદે પુત્રીને પોકારી રહ્યાં.

શેઠાણીના એ પોકારના પડઘા પડી રહ્યા. એક ઓરડામાંથી બીજા ઓરડામાં થઈને એ પોકાર પરસાળમાં પડઘાતા રહ્યા.

નોકરોના ગંજાવર કાફલાએ શેઠાણીનો એ અડધો બોલ આખા