‘ફુલહોલ કલાકાર આવા અડબંગ જ હોય.’
‘હું તો પહેલેથી જ કહેતો હતો કે આવા માથાફરેલ માણસમાં આપણે ઠરીશું નહિ, છતાં તમે માનતાં જ નહોતાં, લેડી જકલ.’
કંદર્પકુમારને ઘેરથી શ્રીભવન ભણી પાછાં ફરતાં સર ભગન આખે રસ્તે આ નિષ્ફળ ફેરા બદલ પત્ની સમક્ષ રોષ ઠાલવી રહ્યા હતા.
‘ગમે તેવા કલાકાર કહો, પણ અંતે તો નાચણિયાંની જ જાત.’
‘આવા ભાંડ-ભવાયાના તે કાંઈ ભરોસા હોય ?’
‘અરે, એ હૈયાફૂટાના નસીબમાં આવી રતન જેવી છોકરી ક્યાંથી લખી હોય, કે એને હા પાડવા સદ્બુદ્ધિ સૂઝે ? ભાઈસાબ બોલી ગયા : ‘હું તો મારી કલાને વરી ચૂક્યો છું.’
‘પેટમાં કકડતી ભૂખ લાગશે ત્યારે ખબર પડશે કે કલાને વરવાથી કેવું પરિણામ આવે છે.’
લેડી જકલ પણ આ જ વસવસો કરી રહ્યાં હતાં :
‘કરમની કઠણાઈ તો જુઓ, કે આજ સુધી આ કંદર્પકુમાર આપણી ભોળી છોકરીને ભોળવી ન જાય એટલા ખાતર આપણે ઉજાગરા વેઠતાં હતાં ને હવે સામે ચાલીને આપણે જ એના ભમરાળા કપાળમાં ચાંદલો કરવા ગયાં, ત્યારે ભાઈસાહેબ મોં ધોવા ગયા.’
‘અરે, એના ભાગ્યમાં તિલ્લુ જેવી છોકરી ક્યાંથી હોય. ગારાના દેવને તો કપાસિયાની જ આંખ હોય ને ?’
‘અરે, પણ એ બે બદામના માણસનો મિજાજ તો જુઓ ! ધડ દઈને આપણું અપમાન કરી નાખ્યું !’