પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટકનું ચેટક
૧૬૭
 


‘આપણી પસંદગી કે નાપસંદગીનો આમાં સવાલ જ નથી. આપણે પોતે જ તિલ્લુને પસંદ નથી.’

‘અરે, પણ અમારે જલાલપરમાં કોઈ જાણી જાય કે વખત વેરસીના ખીમાની વહુ તો નાચનખરાં કરે છે, તો મારી તો સાત પેઢીની આબરૂ જાય.’

‘તો નાચનખરાં ન કરે એવી વહુ શેાધી લો.’

‘શું બોલ્યા ? ફરી બોલો જોઉં.’

‘કહું છું કે તમારા ખીમયંદ માટે સારી વહુ શેાધી લો.’

‘ને તમે સુખેથી તમારી છોકરીને સવેલી બીજે ક્યાંય પરણાવી દેશો, એમ ? અરે, વાતમાં શો માલ છે ! તો તો અમારી જલાલપરની નદીનું પાણી લાજે, પાણી. અમારી મૂછ્યુનાં મોવાળાં લાજે.’

‘મને તમારી જોડે જીભાજોડી કરવાનો સમય નથી. મારે આજે મહાચંડી યજ્ઞની તૈયારી કરવાની છે.’

આટલું કહીને સર ભગન ગુસ્સાભેર ચાલ્યા ગયા એટલે વખતચંદ વેવાઈ વધારે ઉશ્કેરાયા. જાનૈયાઓએ વળી એમના ઉશ્કેરાટમાં ઉમેરો કર્યો.

‘એ નખ જેવડી છોકરી એના મનમાં સમજે છે શું ?’ આપણા ખીમચંદને એ નાટકિયાનો વેશ પહેરાવી જાય તો તો થઈ રહ્યું ને ?’

‘આ ભગન વેવાઇને તો હવે આબરૂ જેવુ કાંઈ રહ્યું જ નથી, એટલે જેમ કરે એમ પરવડે. એની છોકરી નાટક શું, ચેટક કરે, મુજરા કરે તોય એને વાંધો નહિ, પણ આપણી તો લાખ રૂપિયાની આબરૂ. જલાલપર–બાદલાના આખા પંથકમાં આપણી સોના જેવી શાખ. ત્યાં ખબર પડે કે આપણો ખીમો નાટકમાં ઊતર્યો છે તો આપણી આબરૂના કાંકરા જ થાય કે ખીજું કાંઈ ?’

‘કંચન ભયો કથીર જ, બીજુ શું ?’