પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટકનું ચેટક
૧૬૯
 


‘આ બધાં પાયમાલીનાં જ એંધાણ. ભગનશેઠનાં હવે વળતાં પાણી છે. માણસને માઠા દિવસ આવવાના હોય ત્યારે જ આવાં અપલખણ સૂઝે. નહિતર કોઈ ગૃહસ્થી માણસના ઘરમાં આવા નાચકણ જેવા નાચમુજરા તે હોય ?’

‘આ અમીરાત હવે આથમવા બેઠી છે. ગૃહસ્થી માણસના ઘરમાં નાટક–ચેટક થાય પછી એમાં લક્ષ્મીનો વાસ રહે જ કેમ કરીને ?’

ભગનશેઠના સંભવિત પતનની આવી આગાહીઓ કરતું કરતું આખુંય હાલરું રિહર્સલરૂમ ઉપર પહોંચીને બહારથી બૂમો પાડવા લાગ્યું :

‘ખીમચંદ ! એય ખીમચંદ !’

પણ સામેથી બંધ ઓરડાનું બારણું ઊઘડવાને બદલે કે કોઈનો જવાબ સાંભળવાને બદલે ઢોલકના અવાજમાં ઉમેરો જ થતો જણાયો.

‘ખીમચંદ ! એલા એય ખીમચંદ !’

ફરી પોકારો થયા, પણ સામેથી કશો જવાબ ન મળ્યો, ત્યારે જાનૈયાઓની ધીરજ ખૂટી અને વરરાજાને એમના વિધિસરના માનાર્થસૂચક આખેઆખા નામે બોલાવવાને બદલે એમના ઘરગથ્થુ નામે સંબોધવા લાગ્યા.

‘એલા ખીમા, એય ખીમલા !’

આવું આત્મીયતાસૂચક સંબોધન ઉચ્ચારવા છતાંય સામેથી ખીમલાએ ઉત્તર આપવા જેટલી આત્મીયતા ન દાખવી. ઊલટાનો, ઢોલકનો ઘોંઘાટ વધતો જ રહ્યો. હવે એ કર્કશ ઘોંઘાટમાં ગોંગનો અવાજ પણ ભળ્યો.

‘આટલા ચસકા શાના સભળાય છે ?’ જાનૈયાઓને અચરજ થઈ રહ્યું.

‘અંદર લડાઈ ચાલે છે.’ નજીકમાંથી પસાર થતા એક નોકરે કહ્યું.