પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


'લડાઈ? શાની લડાઈ ?’ જાનૈયાઓ ગભરાઈ ગયા. રખે ને આપણા વરરાજાને કાંઈ રજાકજા થઈ બેસે, એવો ભય સેવી રહ્યા.

‘અલ્યા ભાઈ, મોઢામાંથી ફાટ તો ખરો, અંદર શાની લડાઈ ચાલે છે ?’ જાનૈયાઓ પેલા નોકરને પૂછી રહ્યા.

'અલ્યા, કોની વચ્ચે લડાઈ જામી છે ?’

‘દેવ ને દાનવ વચ્ચે.’

‘શું ? શું બોલ્યો ?’

‘અરે, આ તો નાટકની લડાઈ ચાલે છે. સાચી નહિ.’

‘તંયે ઠીક, અમારો ગગો માલીપા ગયો છે, એટલે લડાઈનું નામ સાંભળીને પેટમાં ફડકો પડી ગયો.’

અને સાચે જ, રિહર્સલરૂમમાં વાદ્યકારો ઢોલક અને ગોંગ ઉપર જે બેફામ બઘડાટી બોલાવતા હતા એ સાંભળીને ભલભલાના પેટમાં ફડકો પડી જ જાય એમ હતો. દેવદાનવ યુદ્ધમાં કાર્તિકેય એકેક ખડગપ્રહાર કરતો હતો અને ઢોલક ઉપર એકેક જોરદાર થાપી પડતી હતી અને ગોંગ ઉપર દાંડી રમતી હતી. યુદ્ધની અસરકારકતા વધારવા અન્ય વાદ્યકારો પણ શક્ય તેટલા તીવ્ર, તીણા, કર્કશ અવાજો ઉપજાવી રહ્યા હતા. આ સામટા કોલાહલની અસર દાનવો ઉપર નહિ તોય જાનૈયાએ ઉપર તો થઈ જ.

‘અલ્યા ભાઈ, આમાં ખીમો તો ખેમકુશળ હશે ને? પારકી લડાઈમાં નવાણિયો કુટાઈ જાય નહિ.’

‘હા ભાઈ, નાટક કરતાં ચેટક થઈ પડશે તો ?’

‘આવી લડાઈ કર્યા વિના વરરાજા શું ભૂંડા લાગતા હતા ?’

‘હાલો, ઝટ બારણાં ઉઘડાવીને ખીમાને બારો કાઢો. એટલે ગંગ નાહ્યા. આજકાલ અષ્ટગ્રહના દિવસો બહુ ભારવાળા ગણાય.’

ડાહ્યાં ઘરડેરાંઓની આ સલાહ જુવાન જાનૈયાઓએ તુરત અમલમાં મૂકી દીધી અને જઈને સીધા રીહર્સલરૂમનાં બંધ બારણાં ધબધબાવવા લાગ્યા. સાથે સહુ જાનૈયાએએ સામટું બુમરાણ