પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘વખત વૈરસીનો ખીમો! આ પોતે જ કે બીજો કોઈ ?’

‘આ તે કયા રાજાનો વેશ હશે ?’

આવો સંભ્રમ થાવનું કારણ એ હતું કે ખીમચંદ અત્યારે કાર્તિકેયના ડ્રેસ રિહર્સલમાં હતા. એની આંખમાં કાળાશને બદલે રતાશ હતી. એના હાથમાં ખડ્ગ હતું.

ખીમચંદની બાજુમાં શચિ ઇન્દ્રાણીની ભૂમિકામાં તિલોત્તમા ઊભી હતી. એની નજર કુપિત જાનૈયાએ કરતાંય કાર્તિકેયની માંસલ ભુજાઓ ઉપર વધારે ઠરતી હતી.

ખીમચંદે સાચા કાર્તિકેયની કરડાકીથી જાનૈયાઓને પૂછ્યું :

‘શું છે?’

‘હોય શું બીજું ! વરરાજો થઈને આવા વરણાગિયા વેશ કાઢતાં લાજતો નથી ?’

‘હાલ્ય ઝટ જાનીવાસે. થા ઝટ મોઢાગળ મૂંગોમૂંગો.’

‘તેં તો જલાલપરની સોના જેવી શાખ સાવ કથીરની કરી નાખી, માળા ઓટીવાળેલ.’

‘મૂંગા રહો,’ આખરે ખીમચંદ બોલ્યો.

સાંભળીને વખતચંદ શેઠ તો મોઢું વકાસી રહ્યા, આ તે મારો પુત્ર ખીમો પોતે જ બોલે છે કે કોઈ પારકો માણસ ? મારા કાન તો કહ્યું કરે છે ને?’

‘અલ્યા, અમને મૂંગા રહેવાનું કહો છો, તે તારા કાનમાં કાંઈ કીડા ભરાઈ ગયા ?’

'પણ તમે ગોકીરો કરીને અમારું નાટક અટકાવ્યું શા માટે ?’ સેનાપતિના વેશમાં ખીમચંદ બોલી રહ્યો.

સાંભળીને તિલ્લુએ સંમતિસૂચક સંતોષ દર્શાવ્યો.

જાનૈયાઓને તો અચરજની અવધિ આવી રહી. મેરી બિલ્લી ઔર મેરેકુ મ્યાંઉ જેવો અનુભવ થઈ રહ્યો.

‘અલ્યા, ગોકીરો ન કરીએ તો શું મૂંગાંમૂંગાં માળા જપીએ ?’