પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુઃખદ આશ્ચર્ય વચ્ચે
૧૭૫
 


‘કેમ ભલા ? તમે તમારી છોકરીના બાપ છો કે કોણ છો?’

‘પણ એથી શું થયું ?’

‘ઈ તમારી છોકરીએ જ મારા જુવાનજોધ છોકરાને છૂમંતર કરી દીધો છે. કામરુદેશની કામિની જેવાં કોણ જાણે કેવાં કામણ કર્યાં છે, તી ભલી હશે તો તો મારા બાળાભેાળા ખીમાને પગે દોરો બાંધીને પોપટ જ બનાવી દીધો હશે.’

‘મારી દીકરી ઉપર આવા ગલીચ આક્ષેપો કરો છો ? હું તમારી ઉપર બદનક્ષીનો દાવો માંડીશ.’

‘હવે રાખો રાખો, ભગનશેઠ ! તમારા જેવા તા બહુ જોઈ નાખ્યા. દાવા માંડવાવાળાનાં ડાચાં જ નોખી ભાત્યનાં હોય.’

‘એમ કે ? દાવો માંડી બતાવું કે ! બોલાવું મારા બુચાજીને?’ કહીને સર ભગને હાક મારી : ‘સેવંતીલાલ !’

‘જી!’ કરતા સેવક સેવંતીલાલ આવી ઊભા.

‘બુચાજીને બોલાવો. ડેફેમેશનની નૈટિસ ડિક્ટેટ કરાવો.’

શેઠની આજ્ઞાનું સત્વર પાલન કરવાને બદલે સેવંતીલાલે એમના કાનમાં હળવેકથી ફૂંક મારી : ‘બુચાજી તો અત્યારે ‘ટિલ્લુ ! ટિલ્લુ !’ કરતો એવો તો તોફાને ચડ્યો છે કે માળીની ઓરડીમાં પૂરી દેવા પડ્યો છે.’

‘ઈ તમારા બુચાજી–ફુચાજી માર્યા ફરે. અમે કાયદા–કોરટથી કાંઈ ગભરાઈએ ઇ માંયલાં નથી, સમજ્યા ? આ તો જલાલપર–બાદલાનું પાણી છે.’ વખતચંદ વેવાઈએ સંભળાવ્યું.

ગિરજાએ પણ વિનંતી કરી:

‘શેઠ, આ કાવાદાવા ને કોરટ–કચેરી તો જીવતા રહો તો નિરાંતે કરજો ને. અત્યારે તો અષ્ટગ્રહીની ચિંતા કરો ને! મારે મહાપૂજા પહેલાં તમને ને જકલ શેઠાણીને સાંતક બેસાડવાં પડશે.’

‘સાંતક–બાંતક માર્યા ફરે, પહેલાં પરથમ મારા ખીમાને ચટ હાજર કરો.’ વખતચંદે ગર્જના કરી.