પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પણ કંદર્પ ક્યાં?
 

મારી ભોળુડી છોકરીને ભરમાવી જ જવાનો. એ ભયથી તે દરવાન ગુરુચરનને પાકી સૂચના અપાઈ ગઈ હતી. કંદર્પને આપણા કમ્પાઉન્ડમાં કદી પગ જ મૂકવા ન દેવો, અને છતાં અત્યારે તિલોત્તમાનો પત્તો કાં ન લાગે ? વા’એ કમાડ ભિડાઈ ગયાં કે શું ?

સર ભગને ફરી બૂમ પાડી : ‘તિલ્લુ !’

અને ગોળગુંબજમાં ઊઠતા પડઘા પેઠે આખું શ્રીભવન ગાજી ઊઠ્યું : તિલ્લુ ! તિલ્લુબહેન !

ફરી આખી વસાહત ખળભળી ઊઠી. વાતાવરણ હાલકડોલક થઈ ગયું. હમણાં શેઠ બેચાર નોકરને બરતરફી ફરમાવી દેશે એવી દહેશત અનુભવાઈ રહી, ત્યાં તો દૂરના રસેડાવિભાગમાંથી સંદેશો આવ્યો :

‘તિલ્લુબહેન રાસોઈખાતામાં છે.’

‘શું કરે છે?’ શેઠાણીએ બરાડો પાડ્યો.

‘પેલા કંદર્પભાઈ સાથે વાતો કરે છે.’

સાંભળીને સર ભગનની આંખ લાલ થઈ ગઈ.

કંદર્પને આ બંગલામાં કડક પ્રવેશાબંધી હોવા છતાં એ પેઠો કેમ કરીને ?

ગુરખો કહે છે કે આ દરવાજામાંથી તો કંદર્પ નામનું કોઈ ચલ્લું પણ અંદર આવ્યું જ નથી.

ભેદ વધારે ઘરો બની રહ્યો.

સર ભગન સોફા ઉપર મર્સરાઈઝ્ડ ધોતિયાંની ગાંસડીની જેમ પડેલા એમાંથી એકદમ કાંજી કરેલ પોપલિનની પેઠે ટટ્ટાર થઈને ઊઠ્યા અને હાથમાં હાથવગી હૉકી–સ્ટિક લઈને દોડ્યા.

‘આજે તો એ હરામખોરનાં હાડકાં જ ખોખરાં કરી નાખું.’

શંકરનું ત્રીજું લોચન ખૂલ્યું હોય એવો તાપ વરસી રહ્યો.

અષ્ટગ્રહ યુતિની સઘળી આપદાઓ ઘડીભર વીસરી જઈને સર ભગન રસોડા ખાતા તરફ આગળ વધી રહ્યા.