પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


અત્યારે એક જ ફિકર હતી: પોતાના જબરજસ્ત શ્વાનજૂથની. રખેને પૃથ્વીનો પ્રલય થાય તો એ પ્રાણપ્યારાં કૂતરાંઓના શા હાલ થાય એની ચિંતામાં એમનું ચિત્ત યજ્ઞવિધિમાં પણ ચોંટતું નહોતું.

‘ઓમ્ સ્વાહા !’

‘ઓમ્ સ્વાહા !’

યજ્ઞવિધિમાં રાત પડી.

આખું શ્રીભવન વીજળીની ઝાકઝમાળ રોશનીથી ઇન્દ્રાપુરી સમું શોભી રહ્યું.

અષ્ટગ્રહીનો દિવસ તો હવે આથમી ગયો છતાં હજી સુધી જ્યોતિષીઓની આગાહી મુજબનો કશો ઉલ્કાપાત થયો નહિ તેથી સહુ સુખદને બદલે દુઃખદ આશ્ચર્ય અનુભવી રહ્યા.

સર ભગનને પણ ઘડીભર તો થયું કે આ તો મેં નાહક ગભરાઈ જઈને આ સહસ્ત્રચંડી યજ્ઞ આણ્યો. ગિરજા ગોરે મને મફતનો ગભરાવી માર્યો, અને આ ખરચના ખાડામાં ઉતારી દીધો. યજ્ઞકુંડના ખાડા તરફ ઉદાસી નજરે નિહાળતાં સર ભગન પોતે કરી નાખેલા આંધળા ખર્ચનો અંદાજ આંકી રહ્યા.

આ તો હું નાહક મૂર્ખ બની ગયો, અને નાણાની બરબાદી કરી બેઠો કે શું, એવો સર ભગનને વસવસો થઈ રહ્યો હતો ત્યાં જ એકાએક આખા યજ્ઞમંડપમાં અધારું ઘોર થઈ ગયું.

ચારે બાજુથી ગભરામણની ચિચિયારી ઊઠી.