પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


અંધકારથી તેઓ એવા તો હેબતાઈ ગયેલા કે રાબેતા મુજબ પોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવાનું ય એમને ન સૂઝ્યું. એ હેબત પૂરી થયા પછી જ એમના મોંમાંથી માંડમાંડ શબ્દો નીકળી શક્યા :

‘મેઈન સ્વિચનો ફ્યુઝ ગયો લાગે છે, ઇલેક્ટ્રિશિયનને બોલાવો.’

પણ વીજળીના મિકેનિકને બોલાવે કોણ ? અંધકારમાં જે ભાગાભાગ ને નાસાનાસ મચી ગઈ, એમાં સહુ પોતપોતાનો જીવ વહાલો ગણતા હતા. સર ભગનના હુકમનું પાલન કરવા કરતાં અહીંથી પલાયન થવામાં જ સહુ સેવકોને સલામતી જણાતી હતી.

આ અરાજકતા જોઈને સર ભગન વધારે ચિડાયા, બત્તીનો ફ્યુઝ સમરાવવા માટે મિકેનિકને પણ કોઈ બોલાવતા નથી, એ જોઈને એમણે પોતાના મંત્રીને બૂમ પાડી : ‘સેવંતીલાલ !’

પણ આજન્મ સેવક સેવંતીલાલ પણ અત્યારે શેઠની તહેનાતમાં રહેવાને બદલે સલામતી શોધવા આઘાપાછા થઈ ગયા હતા.

‘સેવંતીલાલ !’ શેઠે લગભગ ચીસ પાડી.

આડે દિવસે શેઠના અરધા બોલ ઉપર એકથી એકવીસ સેવકો ખડે પગે ઊભા રહી જતા ત્યાં અત્યારે એમના પોકારનો ઉત્તર આપનાર પણ કોઈ નહોતું.

‘ગુરુચરન !’

‘રામશરન !’

સર ભગન સેવકોનાં નામ પોકારી રહ્યા, પણ સામેથી કોઈએ ‘જી, હજૂર !’ કે ‘આવ્યો, શેઠ સાહેબ' કે ‘ફરમાવેા હુકમ’ જેવો પડઘો જ પાડ્યો નહિ.

આ અણધાર્યા અંધકારથી ઘાંઘાં થઈ ગયેલાં લેડી જકલે પણ પતિને સહાય કરવા નોકરોનાં નામો પોકારવા માંડ્યાં :

‘જદુનાથ !’

શ્રીભવનના જૂનામાં જૂના પહેરેગીરે અત્યારે પોકાર સાંભળ્યો.