પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરીએ દીવો રહેશે ?
૧૮3
 


નહોતો. કદાચ એ વફાદાર સેવક દરવાજાની ‘ડ્યુટી’ છોડીને અહીં આવતાં અચકાતો હશે, એમ સમજીને એમણે કૂતરાં–માસ્તરને હાક મારી જોઈઃ ‘ખાનખાનાન !’

પણ ખાનખાનાનનો દિવસ ફર્યો હોય તો જ હોંકારો આપે ને!

દરમિયાન હરઘડીએ બુમરાણ વધતું જતું હતું. અફાટ જનમેદનીની ધક્કામુક્કી ચાલતી હતી. એ નાસભાગમાં એવી તો ધમાચકડી મચી ગઈ હતી કે અંધારામાં માણસો પડતાંઆખડતાં કચડાવા લાગ્યાં હતાં. બાળકો અને વૃદ્ધોની કરુણ ચીસો વારેવારે સંભળાતી હતી. એ ઉપરથી સમજાતું હતું કે આ આંધળી નાસભાગમાં ડોસાંડગરાં ને બાળકોનો કચ્ચરધાણ નીકળી રહ્યો છે.

અંધારામાં સર ભગનને કશું દેખાતું નહોતું, પણ ભયંકર ગોકીરો અને તીણી ચીસો ઉપરથી એમને ખાતરી થઈ ગઈ કે અત્યારે આ અંધાધૂંધીમાં જીવતાં જીવોને સોથ વળી રહ્યો છે. જીવની સલામતી શોધવાની ઘાઈમાં ને ઘાઈમાં એ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જાણે કે ગેબીમાંથી ઊઠતી હોય એવી એ ટોળામાં કચડાતાં માણસોની મરણચીસો કાળજું કમ્પાવી મૂકે એવી હતી. એ સાંભળીને ભગનને થયું કે આ સહસ્ત્રચંડીયજ્ઞનું પુણ્ય તો મને મળવાનું હશે ત્યારે મળશે, પણ મારે આંગણે થઈ રહેલી આ નિર્દોષ માનવીઓની હત્યાનું પાતક તો મારે માથે ચડશે જ. એથી, અકળાઈ ઊઠીને એમણે કુળગોરને જ બૂમ પાડીઃ

‘ગિરજા, અરે ઓ ગિરજા !’

પણ ગિરજો કાંઈ ગાફેલ નહોતો કે આવી જીવનમરણની આફતટાણે પોતાના યજમાનની તહેનાતમાં ઊભો રહે. એ તો, શ્રીભવનમાં લાઈટ ગયું અને અંધારપટ પથરાયો એ ઘડીએ જ, આ તો અષ્ટગ્રહીનો પ્રલય આવ્યો એમ સમજીને દાનદક્ષિણાની પણ રાહ જોયા વિના કે યજ્ઞમાં બીડું પણ હોમાવ્યા વિના રફુચક્કર