પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
ગ્રહાષ્ટક વત્તા એક
 


ઝાલીને ચાલચાલ કરી રહ્યો છું, છતાં માળીની ઓરડી સુધી જ આવી શક્યો ? પણ એમને ક્યાં ખબર હતી, કે જનમેદની જોડે પોતે પણ અત્યારે ચકરાવે જ ચડી ગયાં છે ? ગતિ ગમે એટલી થયા કરે, પણ પ્રગતિ તો નજીવી જ થાય. આ હમચી ખૂંદવા જેવા અનુભવથી સર ભગન બહુ થાકી ગયા. કેડીલેકમાંથી ઊતરીને અટલું બધું પગપાળા ચાલવાનો એમને આ પહેલો જ અનુભવ હતો. આથી પગનાં તળિયાંમાં આંટણ પડી જશે કે શું એવો એમને ભય લાગતો હતો. પણ અત્યારે આ અથડાઅથડીમાં જીવતાં રહેવું હોય તો આ પગપાળી મજલ કરીને પણ સામેના મકાનમાં પહોંચી જવામાં જ માલ છે, એ સમજાતાં એમને વાર ન લાગી. તેથી જ, તેઓ લેડી જકલને કહી રહ્યા :

‘હવે જલદી ચાલો, જલદી ચાલો. બિચારી તિલ્લુ આપણી ચિંતા કરતી હશે.’

‘એ તો એવી સાજા કાળજાની છે કે આપણી કોઈની ચિંતા કરે એમ નથી. ચિંતા તો મને એની થાય છે.’

‘શી ?’

‘પેલા ખીમચંદમાં મોહી પડી છે એથી જ તો વળી. એને નાટકમાં કાર્તિકેય બનાવ્યો છે ત્યારથી એનું મગજ ઠેકાણે નથી.’

‘એમાં એનો બહુ વાંક નથી, લેડી જકલ.’

‘કેમ ?’

‘એણે પહેલી જ વાર આવો હૃષ્ટપુષ્ટ જુવાન જોયો છે.’

‘હૃષ્ટપુષ્ટ ?’

‘ખીમચંદ ગમે તેવો તોય ખાધેપીધે તો સુખી રહ્યો ને ? વળી પાછો ગામડાનો માણસ. સાચાં ઘી–દૂધ ખાધેલાં, એટલે શરીરે તંદુરસ્ત જ લાગે.’

‘તંદુરસ્ત લાગે છે કે ભીમસેનના ભાઈ જેવો લાગે છે ?’

‘એ તો તમને એવું લાગે. બાકી તિલ્લુને તો એ કાર્તિકેયની