પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચોથું મંગળ
૧૯૩
 


ભૂમિકા માટે…’

‘મુઓ એ કાર્તિકેય.’

‘અરે, ઇન્દ્રના સેનાપતિને ગાળ દેવાય ?’

‘પણ આ ખીમચંદ ક્યાં સાચો સેનાપતિ છે ? આ બધું નાટક જ છે.’

‘આ નાટક જ નખોદ કાઢશે એમ લાગે છે.’

‘કેમ ?’

‘નાટકમાંથી ચેટક ન થાય તો મને કહેજો.’

માળીની ઝૂંપડી વળોટ્યા પછી ફરી પાછું ચડાણ આવ્યું. અહીં વધારે માણસોની લોથો ઢળી હોય એમ લાગ્યું. માનવશરીરોના એ ગંજમાંથી ઊંડેઊંડેથી આછા ઊંહકારા ઊઠતા હતા. એ ઉપરથી લાગતું હતું કે છેક તળિયે દટાયેલા કોઈ માણસના ખોળિયામાં હજી જીવ ૨હ્યો છે ખરો. પણ અત્યારે સહુ પોતપોતાના જીવ બચાવવા નાસભાગ કરે છે એમાં પણ કોને બચાવવા જાય ?

‘આપણા બંગલામાં આજે હજારો માણસની હત્યા થઈ ગઈ હશે.’

‘પણ એમાં આપણો શું વાંક ? આપણે થોડી એમની હત્યા કરી છે ? લાઈટ બંધ થયું એની જ આ મોકાણ.’

‘પણ આ હત્યાનું પાપ તો આપણે માથે ચડે ને ?’

‘હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે આ બંગલો ન લેશો. લાટસાહેબના વખતથી જ આ જગ્યા વહેમવાળી ગણાય છે.’

‘પણ અહીં આવીને તો આપણે સુખી થયાં. લાટસાહેબની સાયબી ને સરનો ખિતાબ પામ્યાં.’

‘હવે એ ખિતાબને શું ધોઈ પીવો છે ? લાટસાહેબો આ દેશમાંથી ગયા, પછી સર કે લેડી સામે કોઈ નજર પણ ક્યાં નાખે છે ? ઊલટાનું આ વહેમવાળા રહેઠાણમાં આ રામાયણ