‘આ માત્ર નાટક નથી.’
‘ત્યારે ?’
‘નૃત્યનાટક છે.’
‘તેથી શું થયું ?’
‘એમાં લડાઈ પણ સાવ ધીમેધીમે, નાચતાં નાચતાં જ કરાય–નૃત્યના તોડા પ્રમાણે જ બધું થાય. નહિતર ભૂલ થઈ જાય.’
‘પણ એમાં ઇન્દ્રરાજ પરણતા હોય એવા સીન છે ખરો ?’
‘ના રે, ઇન્દ્રને પરણવાની જરૂર જ શી ? ઈન્દ્રાણી તો ઐરાવત હાથીની જેમ કાયમ માટે એક જ હોય. નવાનવા ઇન્દ્ર આવે ને જાય, પણ એની ઇન્દ્રાણી તો એક જ હોય. પછી એને પરણવાને પ્રશ્ન જ ક્યાં રહ્યો ?’
‘તો પછી ઇન્દ્રવિજયને બદલે સીતા સ્વયંવરની રિહર્સલ તે નહિ કરતાં હોય ને ?’
‘શા ઉપરથી કહો છો ?’
‘આ અવાજ મને કોઈક સપ્તપદીના શ્લોક જેવો સંભળાય છે.’
‘એ તો આપણે ક્યારનાં યજ્ઞવેદી ઉપર બેઠાં હતાં, એટલે ગિરજાના મંત્રોના તમને ભણકારા વાગતા હશે.’
આવું સ્વરચિત આશ્વાસન અનુભવતાં પતિ પત્ની સીડીનું છેલ્લું પગથિયું પૂરું કરીને તિલ્લુના રિહર્સલરૂમમાં પેઠાં તો સામેનું દૃશ્ય જોઈને લેડી જકલ તો મૂર્છિત થઈને ઢળી જ પડ્યાં. સર ભગને પોતાનાં માઈનસ બાર નંબરનાં ચશ્માં સાફ કરીને ફરી આંખે ચડાવી જોયાં, છતાં એમને દૃશ્યની વિગતોમાં કશો ફેરફાર જણાયો જ નહિ.
ખીમચંદ ખુમારીભેર ખભા પર ખાંડું મૂકીને ફેરા ફરતો હતો, એની પાછળ પાનેતર પહેરેલી તિલોત્તમા તણાતી હતી. ગિ૨જો ગોર મંત્રો ભણી રહ્યો હતો.
સર ભગને ત્રાડ મારીને પૂછ્યું :