પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૨૩.
અંધકારનાં અંધારાં
 

રિહર્સલરૂમમાં નાટકી નહિ પણ સાચેસાચો લગ્નવિધિ કરાવી રહેલ ગિરજા ઉપર સર ભગને દાઝ કાઢી :

‘અલ્યા ભામટા, મારું ખાઈને મારું જ ખોદવાનું સૂઝ્યું ?’

‘શું કરું ભાઈશાબ ! આ પાપિયું પેટ કરાવે વેઠ.’

‘અલ્યા, પણ આ ખીમચંદનો વિવાહ તો નીચના ગ્રહોનો સુટકો કરવા સારુ તેં કરાવ્યો હતો, એમાં અત્યારે આ ?’

‘સુટકાનો જ વિવાહ સાચો પડવાનું તિલ્લુબહેનની કુંડળીમાં લખ્યું હશે તે મિથ્યા કેમ થાય ?’

‘અલ્યા, પણ આવા જડભરત જોડે મારી છોકરી જીવતર કેમ કરીને કાઢશે ?’

‘શેઠ, એ તો મેં પણ તિલ્લુબહેનને ખાનગીમાં પૂછી જોયું હતું. પણ એણે તો મને ચોખ્ખું સંભળાવી દીધું કે…’

‘શું ?’

‘કે આવો શૂરવીર જુવાન પૃથ્વીના પટ ઉપર બીજો નહિ પાકે. પરણું તો ક્ષેમુને જ.’

‘હવે જોયો મોટો ક્ષેમુ. મોં પરથી માખ ઉડાડવા જેટલા તો એને હોશ નથી, ને નામ જુઓ તો ક્ષેમુ.’

‘શેઠ, આમાં તો રાણીને ગમ્યો એ રાજા. આપણા ગમા–અણગમા ચાલે જ નહિ.’

‘તિલ્લુનું તો મગજ ફરી ગયું છે. પણ અલ્યા ગિરજા, તેં તારી અક્કલ ક્યાં ઘરાણે મૂકી હતી તે આ લગ્નવિધિ કરાવવા આવી પહોંચ્યો ?’