પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંધકારનાં અંધારાં
૧૯૯
 


‘ભાઈશાબ, બત્તી બુઝાઈ ગઈ, ને સહુ નાસભાગ કરવા લાગ્યા. એમાં હું ધક્કે ચડી ગયો. એવામાં ઓચિંતાની જ કોઈકે મારી ગળચી પકડી.

‘કોણે ?’

‘દૈવ જાણે. અંધારામાં કોઈ ઓળખાયું નહિ, પણ એણે ગળચી ઝાલીને મને અહીં હાજર કરી દીધો. ખીમચંદભાઈએ તલવાર ખેંચીને કીધું કે ઝટપટ લગ્નવિધિ પતાવી દે, નહિતર જનોઈવઢ વાઢી નાખીશ.’

‘આટલો જુલમ ! એ જંગલીને હું જોઈ લઈશ.’

‘શેઠજી, હવે જીભ કાબૂમાં રાખજો. ખીમચંદ ગમે એવો તોય હવે જમાઈ થયો ગણાય.’

‘નહિ ગણાય.’

‘કેમ ?’

‘હું એને જમાઈ તરીકે સ્વીકારીશ જ નહિ.’

‘એમ તે કાંઈ ચાલે ?’ જામાર્તા કદાચને ક–જામાર્તા થાય તેથી શ્વશુર કાંઈ ક–શ્વશુર થઈ શકે ?’

‘અરે ! પણ જલાલપર–બાદલાનો એ જંગલી વળી મારો જમાઈ શાનો ? સર ભગનની દીકરી એવા રોઝડાને પરણે તો તો થઈ રહ્યું ને ?’

‘હવે થઈ જ રહ્યું છે, શેઠ.’

‘શું ?’

‘ચોથું મંગળ પૂરું થઈ જ રહ્યું છે.’

‘અરે, એ તારાં મંગળ–બંગળ મારી પાસે માર્યાં ફરે. હું કોણ ? બ્રિટિશ જમાનાનો નાઈટ. એ જંગલીને જેલમાં ન નંખાવું તો મારું નામ સર ભગન નહિ.’

‘એને જેલમાં નહિ નખાવી શકો, સાહેબ.’

‘કેમ ? એણે મારી દીકરીને ભોળવી–ભરમાવીને ફસાવી છે.’