પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘૫ણ તિલ્લુબહેન પુખ્ત ઉંમરનાં છે, એ હકીકત કેમ ભૂલી જાઓ છો ?’

‘ઉંમર–બુમ્મર માર્યાં ફરે. પેલી આખી જાનને જેલમાં ધકેલી દીધી, એમ આ જંગલીને પણ ઝાંઝરિયાં પહેરાવી દઈશ.’

‘શેઠજી, એ જાનૈયાઓને તો હવે તમારે જેલમાંથી છોડાવવા પડશે.’

‘નહિ, એમના ઉપર હું ગેરકાયદે ગૃહપ્રવેશનો દાવો માંડવાનો છું. ટ્રેસપાસ કાંઈ જેવોતેવો ગુનો નથી ગણાતો.’

‘પણ હવે તો એમને ગૃહપ્રવેશને બદલે વિદાયની વેળા આવી છે.’

‘એટલે ?’

‘તમારે તો એમને સહુને શીખ આપવી પડશે.’

‘સિલી !’

‘વખતચંદ વેવાઈને તમારે ભાવે કરીને ભેટવું પડશે.’

‘નૉનસેન્સ !’

‘શેઠ, હવે આ ઇંગરેજીમાં ગાળો દીધે કાંઈ નહિ વળે.’

‘ત્યારે શું કરવાથી વળશે ?’

‘હવે તો ભાંગ્યું ગાડે ઘાલો, ભલા થઈને, ને મારી દખણા…’

‘તને રાતી પાઈ પણ નહિ પરખાવું. તેં જ આ આપણી રામાયણ ઊભી કરી છે.’

‘ભાઈશાબ, હું ગરીબ બ્રાહ્મણ તો ચિઠ્ઠીનો ચાકર. તમે સોંપ્યું એ કામ કરી દીધું, એમ તિલ્લુબહેને ચીંધ્યું એ કામ પણ પતાવી દીધું.’

‘હરામખોર, તને પણ હું જેલમાં પુરાવીશ.’

‘શિવ શિવ શિવ !’

‘ગુરુચરન !’ સર ભગને ત્રાડ પાડી. પણ કશો ઉત્તર મળવાને બદલે જાણે ગેબમાંથી એ શબ્દ પડઘાઈને પાછો વળતો જણાયો : ‘ગુરુચરન !’