પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

 એકેયનો ક્યાંય પત્તો નથી.’

‘ક્યાં ગયા એ ?’

‘અંધારામાં અટવાઈ ગયા.’

‘એટલે ?’

‘એટલે એમ કે અરધે રસ્તે જ એનો ઘડોલાડવો થઈ ગયો.’

‘અરે પણ પોલીસનો ?’

‘શેઠજી, આ અંધારામાં કોણ ઓળખે કે આ પોલીસ છે ?ને આ મનખો આખો અત્યારે હાથમાં જીવ લઈને હલક્યો છે, એમાં કોણ જોવા રોકાય કે આ માણસ પોલીસનો છે કે પબ્લિકનો ?’

‘પણ પોલીસના હાથમાં હથિયાર...’

‘ખરાં, પણ આવા અંધારામાં એ કોની સામે ફોડે ? અહીં કાળી રાતે માથે માથું સૂઝતું નથી એમાં કોનું નિશાન નોંધે ? બિચારા જીવ આવ્યા આપણને બચાવવા, પણ સામેથી પોતે જ ઉકલી ગયા. ઈ તે કમરબંધ ને કાર્ટિજ સોતા ધરબાઈ ગયા.’

સાંભળીને સર ભગન પોતે તો સાજાનરવા હોવા છતાંય ધ્રુજી ઊઠ્યા. પોતાને ઘરઆંગણે સરજાયેલા આ ઘોર હત્યાકાંડનાં હવે શાં પરિણામ આવશે એની કલ્પના પણ તેઓ કરી શક્યા નહિ. નજર સામેની વાસ્તવિકતા જ એવી તો વસમી હતી કે એમની કલ્પનાશક્તિ તો સંચોડી કુંઠિત જ થઈ ગઈ.

આજુબાજુ કાજળઘેરું અંધારું હતું એમાં પણ સર ભગનની આંખે અંધારાં આવી ગયાં. આમેય માઈનસ બાર નંબરના ચશ્માં તળેથી એમની આંખો દૃષ્ટિશૂન્ય તો થઈ જ ગઈ હતી. હવે એ દિશાશૂન્ય પણ બની રહી. આ સ્થિતિમાં અત્યાર સુધી આંધળાંની લાકડી બની રહેલાં લેડી જકલ પણ તિલ્લુના મંગળફેરાનું ચોથું મંગળ નિહાળીને એના આઘાતમાં જ ધરાશાયી થઈને પડ્યાં હતાં. પરિણામે સર ભગન, રણ જેટલા જ અફાટ શ્રીભવનના ભવરણમાં ભોમિયાવિહોણા–એકલા–અટૂલા ભમી રહ્યા હતા. મૃતદેહોથી ઠાંસોઠાંસ