પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંધકારનાં અંધારાં
૨૦૫
 


ભરાઈ ગયેલી આ વસાહતમાં સર ભગન પોતે જ એક પ્રેત જેવા ભાસતા હતા.

આવી એકલવાયી સ્થિતિમાં એમને એકમાત્ર ચિંંતા પોતાની વહાલસોયી પુત્રીની હતી. આંખના રતન સમી, પુત્રસમોવડી એ પુત્રીને જલાલપરના પેલાં જગલીના હાથમાંથી શી રીતે છોડાવવી એની ફિકર એમની વ્યગ્ર મનોદશાને વધારે વ્યગ્ર બનાવી રહી. હતી. ઘડીભર તો એમને થયું કે આવી અરાજકતામાં જંગલનો કાયદો જ કારગત નીવડે. તિલ્લુને અહીંથી ઉઠાવીને ખાપોલી-નાનોલી તરફ ક્યાંક ૨વાના કરી દઉં. પછી ભલે રહે એનો ખીમચંદ કે ક્ષેમેન્દ્ર હાથ ઘસતો.

આવા કુવિચારથી પ્રેરાઈને તેઓ ફરી રિહર્સલરૂમ ભણી વળ્યા પણ અફસોસ ! ત્યાં દરવાજા ઉપર જ ખેમચંદ હાથમાં નાગી તલવાર લઈને ખડે પગે આડો ઉભો હતો. અને એ તલવાર તો, તિલ્લુએ જ ચેતવણી આપેલી એ મુજબ સાચકલી હતી, ‘સ્ટેજ પ્રોપર્ટી’ નહોતી, એ યાદ આવતાં જ સર ભગન બે ડગલાં પાછી હઠી ગયા. સામે ઊભો છે એ ભલે સગો જમાઈ હોય, પણ એના હાથમાંની એ તાતી તલવાર કોઈની સગી નહિ જ થાય, એ સત્ય સમજતાં સર ભગન વધારે અસહાય બનીને ઉભા રહી ગયા. મનમાં સમસમતા રહ્યા અને થોડીક વારે એ આંતરિક ઉકળાટને વાચા આપી રહ્યા.

‘એ જલાલપુરના જંગલીને જેલમાં જ પુરાવીશ.’

જીવનની અત્યંત નાજુક ને જોખમભરી ક્ષણોએ તેઓ પરમેશ્વર ને બદલે પોલીસનું જ રટણ કરી ૨હ્યા હતા. વચ્ચેવચ્ચે તેઓ આપોઆપ જ પોતાની અસહાય સ્થિતિ સૂચવવા સ્વગતોક્તિ જેવો ઉદ્‌ગાર કાઢી ૨હેતા હતા :

‘અરેરે ! આટલા માણસોમાં કોઈ બત્તીના ફ્યુઝ બાંધનાર પણ નથી મળતો.’