પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


વારેવારે ઉચ્ચારાતી આવી ફરિયાદ સાંભળીને એક વાર કોઈકે ઉત્તર આપ્યો :

‘ફ્યુઝ તો ઉડ્યો જ નથી.’

‘શું કહો છો ?’

‘સ્વિચ બોર્ડના બધા જ ફ્યુઝના વાયર સાવ સાબુત છે.’

‘તો પછી આ અંધારું થયું શાથી ?’

‘કનેક્શન જ કપાઈ ગયું છે.’

‘હેં?’

‘હા, વીજળીનો પુરવઠો આવતો અટકી ગયો છે.’

‘પણ શાથી ?’

‘એ તમે જાણો.’

સર ભગન શું જાણે ? વીજળીને પુરવઠો શાથી કપાઈ ગયો હશે ? આગલા મહિનાઓનું બિલ નહિ ભર્યું હોય ? સેવંતીલાલ જેવો ગૃહસંચાલક આવી ગફલત કરે ? અને એવા નજીવા ગુના માટે કાંઈ એક માજી નાઈટનો વિદ્યુતપુરવઠો કોઈ અટકાવી નાખે ? બને જ નહિ.

‘એ કરન્ટ બંધ કરાવનારા કારકુનોને જેલમાં જ નખાવીશ.’

વહેલી પરોઢે સર ભગન આ વિચાર કરતા હતા ત્યારે જ એમની નજીક પોલીસ ખાતાનો એક સાર્જન્ટ આવી ઊભો. એના હાથમાં ધરપકડનું વૉરન્ટ હતું. એણે કહ્યું :

‘તમારી ધરપકડ કરવાનો મૅજિસ્ટ્રેટનો હુકમ છે.’

અંધારામાં પણ સર ભગનની આંખે વધારે અંધારાં આવી ગયાં.