પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે જ ઉગારનારાં
૧૩
 

પીલાંની વાત થઈ ગઈ—’

તુરત લેડી જકલ ઊઠ્યાં. એક ભીંતિયા આરિયામાં ગૌછાણ વડે લીંપેલા બારણા પાછળથી એમણે ગંગાજીની લોટી કાઢી.

યવનોના આમિષ આહાર માટે વપરાતી વાનગીનો શબ્દોચ્ચાર માત્ર ભાષાના અલંકાર રૂપે પણ પોતાના પવિત્ર મુખેથી થઈ ગયો એનું પ્રાયશ્ચિત્ત કરવા સર ભગને તુરત ગંગાજલપાન વડે મુખશુદ્ધિ કરી નાખી.

જંતુનાશક દવાનો છંટકાવ થઈ ગયા પછીની બાથરૂમના જેવો સ્વચ્છતા–શુચિતાનો અનુભવ કરતા સર ભગને છુટકારાનો દમ ખેંચ્યો.

પુત્રીએ પેલા નટરાજને નન્નો સંભળાવી દીધો એથી પિતાને માથેથી હીણપતનો હિમાલય જેટલો ભાર ઊતરી ગયો હોય એવી હળવાશ તેઓ અનુભવી રહ્યા. બોલ્યા :

‘દીકરી, આટલું ડહાપણ જરા વહેલું સૂઝ્યું હોત તો ?’

‘પણ ગાંડ૫ણ આચર્યા વિના ડહાપણ સુઝે જ શી રીતે ?’ તિલ્લુને બદલે લેડી જકલે જવાબ આપ્યો. અખિલ ભારત ભગિની મહામંડળનાં આજીવન પ્રમુખ તરીકે લેડી જકલને આવાં કેટલાંક સોનેરી સુવાક્યો જીભને ટેરવે જ રહી ગયાં હતાં.

‘કાંઈ ફિકર નહિ, તિલ્લુ. કાંઈ જ ફિકર નહિ, તને ડહાપણ ભલે જરા મોડું સૂઝ્યું, પણ હજી બહુ મોડું થયું ન ગણાય—’

‘એટલે ?’

‘બહુ મોડું નહિ એટલે વહેલું જ ગણાય વળી. બીજુ શું ?’

‘પણ આ વહેલા–મોડાની આટલી બધી માથાકૂટ શાની કરો છો ?' લેડી જકલને બિનજરૂરી માથાકૂટ જરાય પસંદ ન હતી. તેઓ સ્ત્રી જાતિનાં હોવા છતાં ભલાં–ભોળિયાં, ઓલિયા–દોલિયા જેવાં અલ્લાના ઘરનાં માણસ હતાં. જીવન આનંદભેર, હસતાં– રમતાં, નાચતાંકૂદતાં, ખેલતાં ને ખાતાંપીતાં જીવી જવામાં જ