પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રલય પહેલાં
૩૫
 


ટૅનિસ રમવા નહિ મળે એ બાબતનું હતું. એ પછી બીજા નંબરનું દુ:ખ તે હવે પછી પોતાને ચિકી ખાવા નહિ મળે એ બાબતનું હતું. લેડી જકલના જીવનની સબળમાં સબળ નબળાઈ જીભની એટલે કે સ્વાદની હતી. જીવનમાં એમણે સઘળાં ક્ષેત્રોમાં જીત મેળવી હતી. પૈસો, પતિ, નાઈટહૂડ, ગાડીઘોડા, વાડી–વજીફા, નોકર–ચાકર, સઘળા મોરચાઓ ઉપર એમને જ્વલંત વિજય સાંપડેલો. એક માત્ર સ્વાદેન્દ્રિયને તેઓ જીતી શક્યાં નહોતાં. એમની જીભ ખટરસ નહિ પણ અપરંપાર રસોના આસ્વાદ માટે હરહંમેશ તલસતી રહેતી. એ તીવ્ર સ્વાદેન્દ્રિયને કારણે જ લેડી જકલે રસો વૈ સઃ સૂત્રને પોતાના જીવનમાં મુદ્રાલેખ જેવું ગણ્યું હતું. એમનાં સર્વ પ્રિય ખાદ્યોમાં લોનાવલાની ચિકીનું સ્થાન સર્વોપરી હતું. શીંગ, બદામ અને કાજુની ચિકી લોનાવલાથી તાઝા–બ–તાઝા ને નૌ–બ–નૌ રોજ રોજ આંગડિયા જોડે મંગાવવાની વ્યવસ્થા આજે વર્ષોથી અમલમાં હતી.

લેડી જકલનાં પ્રિય ખાદ્યોમાં ચિકી પછી બીજે નંબરે આંબલીના કચુકાનું સ્થાન આવતું. કચૂકાનો ઉપયોગ તેઓ માત્ર મુખવાસ તરીકે જ નહિ પણ મુખ્ય વાનગી તરીકે પણ કરતાં. ઘણીય વાર તેઓ એકલા કચૂકા વડે જ પેટ ભરી લેતાં, અને ત્યારે સર ભગનના ફેમિલી ડૉકટર ડેબુની દોડધામ વધી જતી. તેથી જ, અષ્ટગ્રહ યોગમાં કાંઈ ઊંધું ચતું થઈ જાય તો મારાં ચિકી ને કચૂકાનું શું થશે એવી બાલિશ નહિ પણ બૈરકશાઈ ચિંતા અત્યારે લેડી જકલને અકળાવી રહી હતી.

‘લેડી જકલ, તમારો તો જીવ જ ચિકી ને કચૂકામાં રહી જવાનો છે.’ પત્નીની ચિંતાતુર મુખમુદ્રા નિહાળીને સર ભગન બોલી ઊઠ્યા.

‘તે તમને તમારી ચિરૂટ વહાલી એમ અમને અમારી ચિકી વહાલી.’