પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૭.
તિલ્લુનાં તિલ્લાણાં
 

બૅરિસ્ટર બુચાજીના જીવને જરાય જંપ નથી. એમનો જીવ બૅંકના વાયુઅનુકૂલિત વૉલ્ટના ખાનામાં પુરાયો હોય એમ લાગતું હતું. અતૃપ્ત વાસનાવાળું પ્રેત જિનાત થઈને ભમ્યા કરે એમ એમનો જીવ પેલા વસિયતનામાની પાછળ ભમતો હતો.

હતું તો એ સ્ટૅમ્પ–પેપરનું મામૂલી કાગળિયું, પણ એમાં લખાયેલી મિલકત મામૂલી નહોતી, મબલખ હતી. તિલ્લુને નામે ચડેલી એ અસ્કયામત જેને મળે એને ગાંડો ગરાસ મળે એમ હતો. એ માણસનાં ભાગ્ય વગર અરીઠે ઊઘડી જાય એમ હતાં. એના ભવનો ફેરો કશીય મહેનત–મજૂરી વિના સફળ થઈ જાય એમ હતો. સળી ભાંગીને બે કકડા પણ કર્યા વિના સીધું સાત પેઢીનું સાજું થઈ જાય એવો જોગ હતો.

બુચાજીના જરસ્થોસ્તી જિગરે જિંદગીમાં પહેલી જ વાર ઉચાટ અનુભવ્યો. હાય રે, મારાં આટલાં વરસ સાવ એળે જ ગયાં કે શું ? આ તિલ્લુ તો રોજ મારી આંખ સામે જ ઊભી હતી, છતાં મેં એને કદી નિહાળી જ નહોતી કે શું ? પેલો મુફલિસ નાચણિયો કંદર્પકુમાર એને ભોળવી ગયો, તો હું શું કાંઈ કમ હતો કે ?

અને બૅરિસ્ટરના શાયરીશોખીન દિમાગમાં હાફિઝ અને ખય્યામના શૃંગારિક શેરો ધસી આવ્યા. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીનું બેવડું શરસંધાન તેઓ તિલોત્તમા ઉપર કરી રહ્યા.

બૅરિસ્ટરને મન આજ સુધી જે કેવળ અસીલપુત્રી જ હતી, એ હવે એકાએક અપ્સરા સમી લાગવા માંડી.