પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ગ્રહાષ્ટક વત્તા એક
 

હોય. તિલોત્તમાના પગના ઠેકા એવા તે જોરથી પડતા કે દીવાનખંડની છત ધ્રુજી ઊઠતી પણ બુચાજીને તો માથા પર કશો કર્કશ અવાજ થવાને બદલે ઝિન્નતની હુર નાચી રહી હોય એવો જ મધુર અનુભવ થતો, પોતાના જીવનમાં આવી પરિન્દા જેવી પરી પ્રાપ્ત થાય તો ઝિન્નત ભર રૂહે ઝમીન જેવું સુખ સરજાઈ જાય અને એવું સ્વર્ગ સમજી શકનારી શક્તિ તો અહીં શ્રીભવનમાં જ છે, એમ સમજાતાં તેઓ મનમાં ગણગણી રહેતા : હમીનસ્તો...હમીનસ્તો...હતીનસ્તો...

શ્રીભવનમાં બુચાજીની બેઠક એટલી તો વધી ગઈ કે ઓલિયાદોલિયા જેવા સર ભગનને પણ એમાં વહેમ આવ્યો.

‘કેમ બુચાજી ! આજે કોરટ નથી કે શું ?’

‘કોરટ છે, પણ કેઈસ જ ક્યાં છે ?’

‘સાવ બેકાર ?’

‘અરે ઝેર ખાવાનું દોઢિયુ બી ની મલે.’

‘આ પણ ગ્રહાષ્ટકની જ અસર હશે.’

‘અરે શું બાવા, આપ લોક આજકાલ ઝઘડતા બી નથી, કે જેથી અમને ગીની બે ગીની કમાવાની મલે.’

‘આજકાલ લોકો જીવવાનું કરે કે ઝઘડવાનું ? ગ્રહાષ્ટકમાં સહુની જિંદગી જ જોખમમાં છે, ત્યારે કોરટે ચડવાનું કોને સૂઝે ?’

‘આય તમે હિન્દુ લોક ગ્રહાષ્ટકથી ગભરાઈ બેઠા છો.’

‘પણ પ્રલય થશે ત્યારે એ પૂછવા નહિ રોકાય કે તમે હિન્દુ છો કે કોણ છો.’ સર ભગનની આવી આગાહીથી બુચાજી સાચે જ ગભરાયા. આમેય તેઓ અજંપો તો અનુભવતા જ હતા, એમાં આવી આવી વાતો સાંભળી તેથી એ અજંપો ઓર વધી ગયો. એ એકલવાયા જીવની બેચેની બમણી થઈ ગઈ. માથા પરની છતમાં વાગી રહેલા તિલોત્તમાના નૃત્યના તોડાઓ બૅરિસ્ટરના દિમાગમાં