પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તિલ્લુનાં તિલ્લાણાં
૫૫
 


ધણના ઘાની પેઠે ઝીંકાઈ રહ્યા.

આજકાલ તિલોત્તમાની નૃત્ય–રિયાઝ એટલી બધી વધી ગઈ હતી કે એક દિવસ તો સર ભગનને પણ એ ભારે લાગી. એમણે લેડી જકલને આ અંગે ફરિયાદ પણ કરી :

‘તિલ્લુએ આ તે શું માંડ્યું છે? આ તે ઘર છે કે નૃત્યશાળા ?’

‘એને નૃત્યશાળામાં જવાની તમે મના કરી છે એટલે બિચારી ઘેર બેઠી પ્રેક્ટિસ કરે છે. એમાં તમને શું નડી ગઈ?’

‘અરે, પણ પ્રમોદકુમારને ખબર પડે કે છોકરી દિવસ આખો નાચ્યા જ કરે છે, તો ?’

‘પ્રમોદકુમારને બહુ ગમે છે.’

‘શું ?’

‘તિલ્લુનાં તિલ્લાણાં.’

‘શાથી જાણ્યું ?’

‘ગઈ સાલ પેલો કૉન્સર્ટ થયેલો, એમાં પ્રમોદકુમાર તો તિલ્લુના પર્ફોમન્સ ઉપર તાળીઓ પાડી પાડીને થાકી ગયેલા.’

‘એ તો પારકી છોકરી કે પારકી પરણેતર નાચે ત્યારે સહુ તાળીઓ જ પાડે. પણ હવે તો તિલ્લુ પ્રમોદકુમારની જ પરણેતર બનશે. હવે એ તાળીઓ પાડશે કે તમાચો ખેંચી કાઢશે ?’

‘તમે તો સર બન્યા તોય હજી જૂનવાણી ન મટ્યા.’

‘કેમ ભલા ? મેં વળી શો ગુનો કરી નાખ્યો ?’

‘આ આજકાલના યુવાનોના ગમા-અણગમાની તમને શી ખબર પડે ?’

‘તે તમને વળી શી મોટી ખબર પડી ગઈ એ કહો ને !’

‘આજકાલના યુવાનો તો છોકરીને નૃત્ય ન આવડે તો એને પત્ની તરીકે પસંદ જ ન કરે.’