પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘આ વળી મારે જૂની આંખે નવા તમાશા જોવાના આવ્યા.’

‘ગમે તેમ બોલો ને, પણ પ્રમોદકુમાર તો તિલ્લુનાં તિલ્લાણાં જોવા જ રોજ પ્રકાશકુંજમાંથી પોન્ટિયાક લઈને અહી સુધી આવે છે.’

‘પણ તો પછી પ્રકાશશેઠ તિલ્લુનો રૂપિયો કેમ નથી બદલતા ?’

‘એ કહે છે કે ગ્રહાષ્ટકના ભારે દિવસો જાય પછી જ શુભ કામ કરાય.’

‘ભારે દિવસો આવે છે એટલે તો રૂપિયો બદલી લેવાની હું ઉતાવળ કરું છું.’

‘પણ ઉતાવળે આંબા ન પાકે.’

‘પણ સારા કામ આડે સો વિઘન.' સર ભગને ભય બતાવ્યો, ‘માંડ કરીને તિલ્લુનું ભેજું ઠેકાણે આવ્યું છે, ને એમાં ફરી પાછો પેલો નાચણિયો નડે તો શું થાય ?’

‘એ કંદર્પકુમારનો તો હવે આ બંગલામાંથી ટાંટિયો ટળ્યો એમ જ સમજોની.’ કહીને લેડી જકલે હળવે સાદે સમજાવ્યું.

‘પણ મને બીક બીજાની છે.’

‘કોની ?’

‘પેલા બબુચક બુચાજીની.’

‘હેં ? શું બોલ્યાં ?’

‘પેલો આપણા બબુચક બૅરિસ્ટર.’

‘બૅરિસ્ટર કોઈ બબુચક ન હોય. એ બેકાર જ હોય.’

‘ગમે તે હોય—મને તો એની બીક લાગે છે.’

‘કેવી વાત કરો છો, લેડી જકલ ! બુચાજીથી કોરટમાં મૅજિસ્ટ્રેટ પણ નથી બીતા ને તમે અહીં બેઠાં એનાથી ગભરાઈ જાઓ છો ?’

‘તમે સાવ ઊંધું સમજ્યા. મને તો એની બીક તિલ્લુ માટે લાગે છે.’