પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવમો ગ્રહ
૬૫
 


‘મને એ તમારા આઠેય ગ્રહો કરતાં નવમાની વધારે ચિન્તા છે.’

‘નવમો ગ્રહ ? ગિરજાના પંચાંગમાં નવમા ગ્રહનું નામનિશાન નથી.’

‘ગિરજાના પંચાંગમાં ભલે ને ન હોય. ઉમ્મરલાયક દીકરીનાં સહુ માવતરના નસીબમાં એ નવમો ગ્રહ જડાયેલો જ હોય.’

‘જમાઈને તમે નવમો ગ્રહ ગણો છો ?’

‘ગણવો જ પડે ને ? જમાઈ ને જમ બેઉ સરખા. જાન લઈને જ છુટકારો કરે.’

‘લગનની જાન....બીજુ કાંઈ નહિ.’

‘એ તો જેવાં જેનાં નસીબ, ને જેવી જેની લેણાદેણી. ભાગ્ય પાંસરાં હોય તો બધું સમુંસુતરું ઊતરે. નહિતર, એ જમાઈ તો જમને પણ સારો કહેવરાવે.’

‘મારાં સદ્‌ગત સાસુજીને મારે વિષે શું અનુભવ થયેલો ? જમાઈ તરીકેનો કે જમ તરીકેનો ?’

‘એ મારાં માતુશ્રીને તો સ્વર્ગમાં હવે શાન્તિ લેવા દો. મને તો મારી દીકરીની જ ચિંતા થાય છે. એ કંકુઆળી થઈ જાય એટલે ગંગા નાહ્યાં.’

‘પણ ગિરજો આજે સવારે મને કહી ગયો કે આ કાલફૂટ યોગમાં કોઈને કંકુઆળાં કરાય જ નહિ.’

‘કારણ કાંઈ?’

‘અશુભ યોગ છે. આ ગોલયોગમાં પરણનાર પણ સુખી ન થાય.’

‘મૂઓ એ ભામટો, આપણને સહુને રોજ ઊઠાં ભણાવે છે. હજી હમણાં સુધી તો કહેતો હતો કે બમણાં દાપાં-દખણા આપો તો હોળાષ્ટકમાં લગનનું મૂરત શોધી આપું. ને હવે કહે છે કે