પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
ગ્રહાષ્ટક વત્તા એક
 

ચહેરા ઉપર ઘેરી ચિન્તા છવાઈ ગઈ.

ગિરજો બોલ્યો:

‘શેઠજી, આ અષ્ટગ્રહયોગ બે દિવસ ને તેર જ મિનિટ ચાલશે, એમાંથી આપણે હેમખેમ પાર ઊતરી જઈએ એટલે ચૌદમી જ મિનિટે તિલ્લુબહેનનું સુમોરતમ્ શુભલગ્નમ્ કરી આપું, પછી છે કાંઈ ?’

‘બોલો, લેડી જકલ, પછી છે કાંઈ ?’ સર ભગને ગિરજાનો જ પ્રશ્ન ફરી વાર પત્નીને પૂછ્યો.

‘મહારાજ, તમે જરા બહાર જાઓ ને.’ લેડી જકલ બોલ્યાં, ‘પછી કામ પડશે ત્યારે બોલાવીશ.’

‘ભલે શેઠાણીબા, બે દિવસ ને તેર મિનિટ પસાર થઈ જાય. પછી એ આઠેય ગ્રહ જખ મારે છે. બહેનને ઝપટવારમાં હથેવાળો કરાવીને ચાર ફેરા ફેરવી દઈશ.’

‘બહુ સારુ, એ વખતે તમને બતાવીશ.’ લેડી જકલે કટાણું મોઢું કર્યું એ જોઈને જ ગિરજો પોતાની રાવટીમાં ચાલ્યા ગયો.

‘મૂઓ આ ભામટોએ સાવ અડબંગ છે, પણ એને વાદે તમે તમારી સુધબુધ ખોઈ બેઠા છો ?’

‘આવું બોલો છો ?’

‘પેલા આઠ ગ્રહની ચિંતામાં પડ્યા છો, ત્યારે મને નવમાની ઉપાધિમાં ઊંધ નથી આવતી.’

‘પણ હવે ઉપાધિ જેવું રહ્યું છે જ ક્યાં? પ્રકાશશેઠે પોતે જ પ્રમોદકુમાર માટે હા પાડી દીધી છે. કહે છે કે તમારી તિલ્લુનો રૂપિયો સોળ વાલ ને માથે ૨તિ સાચો.’

‘હા, એ વાત સાચી પણ મને ફરી પાછું આમાં કશાક બખડજંતર જેવી ગંધ આવે છે.’

‘શાથી ?’