સિદ્ધાંતોને આધારે થઈ. પ્રકારલક્ષી સમીક્ષા તો નાટક અને કાવ્યના ભિન્નત્વને – અક્ષુણ્ણ રાખવાનો યત્ન કરે કે એણે કરવો જોઈએ. પરંતુ આ બાબતે તેવું થયું નહીં. આધુનિક વિવેચકો-નાટ્યશિક્ષકો પણ નાટકને આજેય 'દૃશ્યકાવ્ય' કે કાવ્યના જ એક પ્રકાર તરીકે માનવા તત્પર છે. અલબત્ત, ભરત નાટ્યશાસ્ત્રમાં ભરત નાટકના 'પ્રયોગ'ને મહત્ત્વનો ગણીને 'અભિનય'ની સમીક્ષા કરે છે – માર્ગદર્શન કરે છે. અભિનવગુપ્ત ભરતનાટ્યશાસ્ત્રની સમીક્ષા કરે છે ત્યારે ‘અભિનવ ભારતી'માં જાહેર કરે છે કે નાટકને જ્યાં સુધી પ્રયોગમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી રસાસ્વાદની કોઈ શક્યતા નથી. ભરત નાટ્યશાસ્ત્ર પછી 'અભિનવ ભારતી’ (અભિનવગુપ્ત) અને 'દશરૂપક' (ધનંજય) યોગ્ય રીતે નાટકની વ્યાખ્યા કરે છે. 'અવસ્થાનુકૃતિમ્ નાટ્યમ્' દૃશ્યરૂપે અભિનય દ્વારા થાય તે નાટ્ય - એમ ‘દશરૂપક' કહે છે. પરંતુ તે પછી વિશ્વનાથના 'સાહિત્યદર્પણ'થી દૃશ્યશ્રાવ્ય કાવ્યનો ભેદ પડે છે. નાટકનું વ્યાવહારિક પ્રયોગશીલ પરિમાણ દૃશ્યકાવ્યની છાપ નીચે દબાઈ જાય છે. વિશ્વનાથ નાટકને દૃશ્યકાવ્ય ગણી આગળ વધે છે અને તેના દશ પ્રકારોની ચર્ચા કરે છે. ભરતનાટ્યશાસ્ત્રનો અભ્યાસ પછી વ્યવહાર – પ્રયોગ – સંયોજનની દૃષ્ટિએ ભાગ્યે જ થયો છે. નાટક વિશેની સમીક્ષામાં બે ભેદ પડ્યા ત્યારથી જ સાચુ નાટક લુપ્ત થયું. પ્રકારલક્ષી સમીક્ષાએ 'પ્રકાર'ની હયાતીને તેના પૂરા વિસ્તાર સાથે અભ્યાસવાની હોય છે. પરંતુ બને છે એવું કે પરંપરા જૂની સમીક્ષા પદ્ધતિને કારણે નવા સિદ્ધાંતો સ્થાપવાનું સાહસ કરનારા સમીક્ષકો ઓછા મળે છે. આથી રસની મીમાંસા પુષ્કળ માત્રામાં કાવ્યના સંદર્ભે થઈ. નાટકને પણ કાવ્યના જ એક ભાગરૂપે સમીક્ષકોએ તપાસ્યા કર્યું. તેમાંથી રસ નિષ્પત્તિનાં કારણો શોધવા – નિપજાવવાના પ્રયત્નો થયા કર્યા પણ નાટ્યશાસ્ત્રનું સાચું – યથાર્થ અર્થઘટન કરી શકાયું નહીં.
પ્રકારલક્ષી સમીક્ષાનું મહત્ત્વ ઘણું છે. નાટક અને કાવ્ય વચ્ચેના ભેદને હવે આપણે સ્પષ્ટ કરી શક્યા છીએ છતાં નાટકના સ્વરૂપને પામવામાં તેની વિશિષ્ટતાઓથી તેને સમજવામાં ગેરસમજને અવકાશ રહે છે. નાટકનું ઉપાદાન અન્ય સાહિત્યસ્વરૂપોની જેમ જ – શબ્દાર્થ – છે આથી નાટકને પણ અન્ય પ્રકારોની જ પદ્ધતિએ મૂલવવામાં આવે છે. નવલકથા કે નવલિકાના નિયમો નાટક – એકાંકીને લાગુ પાડી શકાય નહીં તે વાત હજી બહુ ઓછા સમીક્ષકો સમજી શક્યા છે. વસ્તુસંકલના, વાતાવરણ, કેન્દ્રભૂત સંઘર્ષ, પાત્રાલેખન, આરંભ-અંત આદિ લાક્ષણિકતાથી નાટકનું વિશ્લેષણ થઈ શકતું હોવા છતાંય નાટક માટે તે પર્યાપ્ત નથી. નાટક એ સાવ વિશિષ્ટ કલાસ્વરૂપ છે. અન્ય સાહિત્યસ્વરૂપો કરતાં તે આગવી રીતે વિકાસ પામ્યું છે. સાથે તે માત્ર વાઙ્મય કે પ્રત પૂરતું મર્યાદિત નથી. તેનો