લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૯૩
 

રમવાનું છે, વાસ્તવિકતા અને અવાસ્તવિકના (કલાત્મક). સાહિત્ય અથવા નાટ્ય કલાકૃતિ તરીકે નાટકમાં આગવી અને અપૂર્વ 'સૃષ્ટિ' તો રચવાની છે જ, કિંતુ તે સાથે એ સૃષ્ટિની 'અદ્‌ભુતતા' અથવા 'અસાધારણતા'નું ગોપન કરીને એ સૃષ્ટિ જાણે આપણી આસપાસની રોજિંદી વાસ્તવિક સૃષ્ટિ જ છે એવી ભ્રાન્તિ સતત ટકાવી રાખવાની આવશ્યકતા કદાચ નાટકમાં વરતાય છે એટલી અન્યત્ર વરતાતી નથી.૨૦ નાટકના ગદ્યનો વિકાસ આરંભથી લઈને ઉમાશંકર, જયંતિ દલાલનાં નાટકોના ગદ્ય સુધી કેવોક થયો છે તે અને સાથે નાટકની અને રંગભૂમિની ભાષા કેવી હોવી જોઈએ કે કેવી હતી તેની સમીક્ષાત્મક નોંધ અહીં તેમણે કરી છે. આ લેખમાં ધંધાદારી રંગભૂમિનું ગદ્ય અને સાહિત્યિક પાઠ્ય નાટકોના ગદ્યની તુલના પણ તેમણે કરી છે. નાટકની ભાષા ગદ્ય, લોકબોલીનો વિનિયોગ, ભાષાને બદલવા થયેલા પ્રયોગો આદિનો વિગતપૂર્ણ આલેખ આપે છે. અલબત્ત, નાટકના ગદ્યના વિકાસથી એ આશ્વસ્ત નથી. 'રણછોડભાઈથી આજપર્યંતનાં નાટકો જોતાં ગુજરાતી નાટકોના ગદ્યની વિકાસ રેખાનો પરિચય થાય છે પણ આપણે ત્યાં કાવ્ય નાટ્યાત્મકતા સાધી છે તેટલી હજુ નાટકે કાવ્યમયતા સાધી નથી. રંગભૂમિ અને સાહિત્ય બન્નેનો યોગ જેમાં ઉત્તમ રીતે સધાયો હોય એવી નાટ્યકૃતિની હજી આપણે રાહ જોઈએ છીએ.' ૨૧

વિનોદ અધ્વર્યું નાટકના ગદ્યની ચિંતા કરે છે. ત્યારે તે રંગભૂમિની ભાષા કે ગદ્ય છે કે કેમ તે વિશે વિચાર કરતા નથી. 'શબ્દ' જ મહત્ત્વનો છે તેમ માને છે. ખરેખર તો રંગભૂમિની ભાષા એ ઘણો વિવાદ ખમે એવો મુદ્દો છે. અહીં વિનોદભાઈએ ભાષા કે ગદ્ય રંગભૂમિને ઉપકારક કઈ રીતે બને છે કે બનવી જોઈએ તે વિશે ચર્ચા કરવી આવશ્યક હતી. તેઓ નાટકને સાહિત્યની ઉત્તમ કલાકૃતિ તરીકે મૂલવતા હોવાથી અહીં રંગભૂમિની ભાષાનાં ઘટકતત્ત્વો વિશે ચર્ચા કરી છે. તેના માટે લોકપ્રિય રંગભૂમિ અને પાઠ્ય નાટકોના ગદ્યનાં દૃષ્ટાંતો આપીને ચર્ચા કરી છે.

પછીના લેખમાં શેક્સપિયરનાં નાટકોના આરંભથી વ્યવસાયી રંગભૂમિ અને નાટ્યકારો પર પડેલા પ્રભાવને સંશોધન દૃષ્ટિથી આલેખ્યો છે. શેક્સપિયરનાં નાટકોના ગુજરાતી અનુવાદો આ લેખમાં શેક્સપિયરના નાટ્યના અનુવાદની વિગતો આપી છે. પહેલો અનુવાદ દીનશાહ અરદેશર તાલિયાર ખાને કર્યો ત્યારથી માંડીને સતત અનુવાદ ને રૂપાંતરો થતાં – ભજવાતાં રહ્યાં છે. શેક્સપિયરનો પ્રભાવ બંને પક્ષો પર પડે છે. રંગભૂમિ પર સાતત્યપૂર્ણ રીતે નાટકો કરતી મંડળીએ વિવિધ નાટકોના અનુવાદો રૂપાંતરોનું મંચન કર્યું ને લોકપ્રિયતા મેળવી પરંતુ પંડિત યુગના સાક્ષરોએ 'શેક્સપિયરના ગ્રંથો; 'વાંચ્યા', 'કવિતા માણી', નાટકનો 'સાહિત્ય પ્રકાર' તરીકે અભ્યાસ કર્યો પણ રંગભૂમિથી છેટા રહી ગયા. પરિણામે, તેમણે